વાપી: વલસાડ જિલ્લા પોલીસવડા સુનિલ જોશીએ રવિવારે સાંજે વાપીમાં DYSP કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હજુ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પોલીસ દ્વારા લૉકડાઉનના ભંગ બદલ અત્યાર સુધીમાં 781 કેસ કરવામાં આવ્યાં છે. 857 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 1957 વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં છે. જિલ્લામાં પોલીસના 2500 જવાનો પોતાની ફરજ નિભાવે છે.
આ લૉકડાઉન દરમિયાન DSPએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી અને વૃદ્ધ, નિરાધાર કે અન્ય મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને પોલીસ સતત મદદ કરી રહી છે. એ ઉપરાંત જેને પણ પોલીસની મદદ જોઈતી હોય, અથવા તો ક્યાંય લૉકડાઉનનો ભંગ થતો હોય તો પોલીસ કન્ટ્રોલ રૂમ નંબર ઉપર અને વોટ્સએપ નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો હતો.
આ લૉકડાઉન દરમિયાન પોલીસ દ્વારા 7 સ્થળો પર ડ્રોન કેમેરાથી પણ નજર રખાઈ રહી છે. જેમાં રમતગમતના મેદાનમાં, સોસાયટીઓમાં ટોળે વળીને ઉભેલા 53 લોકો સામે પણ કાયદેસરના પગલાં લીધા છે. એ જ રીતે વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર કે કોલ કરી શાબ્દિક અફવા ફેલાવનારા સામે પણ પોલીસ પગલાં લઈ રહી છે.
આ સમય દરમિયાન સુનિલ જોશીએ જનતાને અપીલ કરી હતી કે, જે લોકો બહારથી આવ્યા છે. તેને તંત્ર ટ્રેસ કરી રહ્યું છે અને તેના સંપર્કમાં આવતા લોકોને ટ્રેસ કરવા વધુ મહત્વના હોય છે. એટલે જે લોકો બહારથી આવ્યાં છે, તે તંત્રને સામેથી જાણ કરે.