વલસાડ: કોરોના વાઇરસને અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલ લોકડાઉનને એક મહિનો પૂરો થઈ ગયો છે. કેન્દ્ર સરકાર હવે ધીરે ધીરે તેમાં છૂટ આપી રહી છે. જે અંતર્ગત ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે એક આદેશ જારી કરી શનિવારથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલીક દુકાનોને સરકારની શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી છે.
વાપીના ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના પ્રમુખ જીગ્નેશ શાહે ઇટીવી ભારત સાથે વાત કરતા સરકારે આપેલી આ મંજૂરીથી નાના વેપારીઓને ફાયદો થશે તેવું જણાવી આ દિવસો દરમિયાન લોકોએ પણ સોશિયલ ટિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરી ઘરથી બહાર નીકળવા અપીલ કરી હતી.
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના આદેશ મુજબ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રજીસ્ટર્ડ દુકાનોને કેટલીક શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ ફક્ત એવી દુકાનોને જ મળશે કે, જે નગર નિગમો અને નગરપાલિકાના સીમામાં આવતા રેસિડેન્સીયલ કોમ્પ્લેક્ષ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આવતી હોય, જે રજીસ્ટર્ડ દુકાનો છે તેમને માટે છે.
ગૃહ મંત્રાલયના આદેશમાં કેટલીક શરતો પણ રજૂ કરી છે. તે પ્રમાણે તમામ દુકાનો સંબંધિત રાજ્ય કે, કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાપના અધિનિયમ હેઠળ રજીસ્ટર્ડ હોવી જોઈએ. આ દુકાનોમાં મહત્તમ 50 ટકા સ્ટાફ કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત જીવન આવશ્યક સામાનની દુકાનને પણ ખોલી શકાશે.
જો કે, આ માટે સરકારે કેટલીક શરતો પણ નક્કી કરી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બનશે. કોઈપણ દુકાનમાં 50 ટકાથી વધારે સ્ટાફ કામ કરી શકશે નહીં. તેમજ માસ્ક પહેરવા ફરજિયાત છે. શહેરી સીમાથી બહારના માર્કેટ કોમ્પલેક્ષમાં દુકાનો ખોલી શકાશે. પરંતુ હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન માટે આ છૂટ નથી. તે દુકાનો હજુ પણ બંધ રહેશે એ જ રીતે કોઈ સિંગલ અથવા મલ્ટીબ્રાન્ડ મોલને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, સરકારે 30 દિવસ બાદ નાના વેપારીઓ માટે કરેલી આ જાહેરાત ખૂબ જ મહત્વની સાબિત થશે. નાના વેપારીઓ, કારોબારીઓને નુકસાન ન થાય, એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિમાં ગતિ આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે.