- કપરાડા તાલુકામાં અશ્રુભીની આંખે વરસાદમાં નીકળી અંતિમયાત્રા
- વરસાદી માહોલ વચ્ચે તુલસી નદીના ઢીંચણ સુધીના પાણીમાંથી પસાર થઈ અંતિમ યાત્રા
- કરચોંડ ગામમાં વૃદ્ધાના મોત બાદ પરિવારજનોએ નદી વિકાસ ન થવાની કઠણાઈ
- સ્મશાન નદીને સામે છેડે આવેલું હોવાથી અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો પાણીમાંથી ઉતરી નનામી લઈ ગયા
- જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા અનેક ગામોમાં ચોમાસું થતાની સાથે જ સમસ્યાઓ શરૂ થાય છે
વલસાડઃ જિલ્લામાં કપરાડા તાલુકાના અનેક એવા ગામો છે, જ્યાં ચોમાસું શરૂ થતાની સાથે જ આવવાજવા માટેની મુશ્કેલીનો સામનો લોકો કરે છે. તેની પાછળનું કારણ છે કે, ઘરની આગળથી વહેતી લોકમાતા ઉપર બનેલા નીચાણવાળા બ્રિજ ઉપરથી ચોમાસમાં વરસાદી પાણી ફરી વળે છે. જ્યાં સુધી પાણી ઊતરે નહીં ત્યાં સુધી લોકોએ રાહ જોવી પડે છે અથવા તો જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે.
ગયા વર્ષે પણ 7 વર્ષીય બાળકીના મૃતદેહને સ્મશાને લઈ જવા ટ્યૂબ ઉપર નનામી બાંધી લઈ જવી પડી હતી
ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન આવી જ કરુણ ઘટના બની હતી. તે વખતે 7 વર્ષની બાળકીનું મોત થયા બાદ ગ્રામજનોએ અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા ટ્યૂબનો સહારો લેવો પડ્યો હતો. ટ્યૂબ ઉપર નનામી મૂકી નદીના પૂરમાંથી અંતિમ યાત્રા સામે છેડે પહોંચી હતી.
આ વર્ષે ફરી થી એક ઘટના કરચોંડ ગામે સામે આવી છે
કરચોંડ ગામમાં એક વૃદ્ધા કાળુબેન ચિમાભાઈ ભાવર (ઉં.વ.70)નું કુદરતી મોત થયા બાદ અંતિમયાત્રા નીકળી હતી, પરંતુ વધુ વરસાદના કારણે પગલે માર્ગમાં આવતો તુલસી નદીના કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યું હતું. નદીના બ્રિજ ઉપર 3 ફૂટ જેટલા વહેતા પાણીમાં વૃદ્ધાની અંતિમ યાત્રા જીવના જોખમે પાણીમાં ઉતરીને સામે છેડે આવેલા સ્મશાન સુધી લઈ જવામાં આવી હતી.
ગતિશીલ ગુજરાત સરકાર છેડાના માનવી સુધી વિકાસની યાત્રા પહોંચી હોવાની ગુલબંગો હાંકે છે, પરંતુ આજે પણ ગામડાંમાં બનતી આવી ઘટનાઓનો વિકાસ કેટલો થયો છે એની ચાડી ખાય છે. જોકે, કપરાડાના ધારાસભ્ય હાલ રાજ્યકક્ષાના પ્રધાન થયા છે ત્યારે લોકોની આશા છે કે, વિકાસ વધશે. સ્થનિકોને હજી પણ આશા છે કે, સરકાર તેમના વિસ્તારમાં આવેલ લો લેવલ બ્રિજને ઊંચા કરીને મોટા બ્રિજનું નિર્માણ કરશે, જેથી ચોમાસા દરમિયાન પડતી સમસ્યાનું કાયમી નિરકારણ આવી જાય.
આ પણ વાંચો- તડકેશ્વર નજીક રસ્તા પર પાણી ફરી વળતા બસમાં સવાર વિધાર્થીઓ અટવાયા
આ પણ વાંચો- બારડોલીની મીંઢોળા નદીમાં ફરી એક વખત દૂષિત પાણી આવતા અનેક માછલીઓના મોત