- પારસી સમાજના લોકોએ આજે કોરોના ગાઈડલાઇન સાથે નવરોઝની કરી ઉજવણી
- ઉદવાડા ગામ ખાતે આવેલા ઈરાનશાહ અગિયારીમાં પારસી પરિવારોએ પ્રાર્થના કરી
- 'જીઓ પારસી' સ્કીમ દ્વારા એક વર્ષમાં 300 બાળકો જન્મ્યા
- દસ્તુરજી દ્વારા વેક્સિન લેવા તમામ લોકોને કરાઈ અપીલ
વલસાડ: સંજાણ બંદરેથી ઉતરીને આવેલા અને સમગ્ર ભારતભરમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા કાલીઘેલી ગુજરાતીથી લોકોને હસાવનારા અને મોજીલી કોમ તરીકે જાણીતા બનેલા પારસી સમાજના લોકોનું આજે નવું વર્ષ છે. પારસી કેલેન્ડર અનુસાર આજથી 1,391 પહેલા પારસી વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે ઉદવાડા ગામ ખાતે આવેલા ઈરાનશાહ અગિયારીમાં આજે વહેલી સવારથી જ પારસી સમાજના લોકો આવતા જોવા મળ્યા હતા. તમામ લોકોએ અગિયારીમાં પહોંચીને તેમના પવિત્ર અગ્નિ સમક્ષ મંગલકામના સાથે વિશ્વ કોરોના જેવી મહામારીમાંથી મુક્ત થાય એવી પ્રાર્થનાઓ કરી હતી.
દેશ, રાજ્ય, ગામ, ઘર અને પરિવારને બચાવવા માટે વેક્સિન લેવી જરૂરી
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના જેવી મહામારીથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે વેક્સિન જ માત્ર આ બીમારીથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે. ત્યારે આજે પારસી સમાજના નવા વર્ષ નિમિત્તે ઈરાનશાહ અગિયારીના દસ્તુરજીએ સમગ્ર સમાજના લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, દેશ, રાજ્ય, ગામ, ઘર અને પરિવારને બચાવવા હોય તો તમામ લોકોએ કોરાના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન અવશ્ય લેવી જોઈએ.
આ પણ વાંચો- નવરોઝ મુબારક: નવસારીના પારસીઓએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉજવ્યો 1,391મો નવરોઝ
દસ્તુરજીએ કરી કોરોના માહામારી દૂર થાય તેવી પ્રાર્થના
1,300 વર્ષથી ઉદવાડામાં સ્થાપિત પારસી સમાજના પવિત્ર અગ્નિ ધરાવતી અગિયારી ઈરાનશાહમાં આજે વડા દસ્તુરજી ખુરસેદજી કેકોબાદે વિશ્વની મનુષ્ય જાતિનું આરોગ્ય નિરામય રહે અને કોરોના જેવી બીમારી દુનિયામાંથી નાબૂદ થાય તે અંગે વિશેષ પ્રાર્થના કરી હતી.
'જીઓ પારસી' સ્કીમ અંતર્ગત એક વર્ષમાં 300 બાળકે લીધો જન્મ
સમગ્ર વિશ્વમાં 1 લાખ 20 હજાર પારસી સમાજની અંદાજીત વસ્તી છે. જ્યારે સમગ્ર ભારતમાં અંદાજીત 57,000 પારસીઓ વસવાટ છે, ત્યારે પારસી સમાજમાં મોટા ભાગે ખૂબ મોટી ઉંમરે લગ્ન કરતા હોય છે, માટે તેઓની ફર્ટિલિટી ઓછી હોવાથી લગ્ન બાદ બાળકના જન્મ અંગે સમસ્યા ઉદભવે છે. ત્યારે આવી સમસ્યાને દૂર કરવા નેશનલ કમિશન ઓફ માયનોરિટી દ્વારા 'જીઓ પારસી' સ્કીમ અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત પારસી દંપતી લગ્ન બાદ બાળક અંગે મુશ્કેલી હોય તે માટે સરકાર વિશેષ આરોગ્ય ટ્રીટમેન્ટ માટે સહાય આપે છે. ગત વર્ષમાં 'જીઓ પારસી' સ્કીમ અંતર્ગત 300 બાળકોએ જન્મ લીધો છે. 'જીયો પારસી' સ્કીમ પારસી સમાજ માટે ખૂબ ઉપયોગી નીવડી છે.