વલસાડઃ જિલ્લાની પારડી પોલીસે મોડી સાંજે ધગડમાર ગામે અને ઉદવાડા ગામ ખાતે જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા બંને જગ્યા પરથી 14 જેટલા જુગરિયા ઝડપી લીધા હતા. જેમાં માજી ડેપ્યુટી સરપંચ પણ પોલીસને હાથે ઝડપાઇ ગયા હતા.
પારડી પોલીસે બે અલગ-અલગ બનાવમાં કુલ 14 જેટલા જુગારીયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. જેમાં પારડી તાલુકાના ધગડમાળ ગામે જુગાર રમતા 7 લોકો ગુલાબ લક્ષ્મણ પટેલ, ઈશ્વર ઉત્તમ પટેલ, સુરેશ શુકકર પટેલ, સચિન જીતુ પટેલ, વસંત ચમાર પટેલ, દિલીપ અમૃત ખીચ્ચન, જીતુ ગમન પટેલ રૂપિયા 960ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
જ્યારે ઉદવાડા ગામમાં 8265 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા 7 ઈસમો કરણ મહેશ ભંડારી, સંજય રમણ પટેલ, કમલેશ દયારામ પટેલ, મહેશભગુ ભંડારી, નિમેષ બળવંત, તેમજ માજી ડેપ્યુટી સરપંચ દિનકર ધનજી ટંડેલ, પોલીસે રેડ કરી ઝડપી પાડ્યા હતા. જેમાં ઉદવાડા ગામમાં માજી ડેપ્યુટી સરપંચ દિનકરભાઇ ધનજીભાઈ ટંડેલ જેઓ પણ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
મહત્વનું છે કે, લોકડાઉનના સમયમાં તમામ લોકો પોતાના ઘરે જ હોય ત્યારે કામ ધંધા અને વ્યાપાર વિના લોકો જુગાર રમતે ચડી ગયા છે. જેના કારણે ગામડાના કેટલાક વિસ્તારોમાં ખૂણે ખાંચરે અનેક લોકો નાનો મોટો જુગાર રમતા હતા, ત્યારે પારડી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે પારડી તાલુકાના ધગડમાળ અને ઉદવાડા ગામમાંથી 14 જેટલા લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.