વલસાડઃ હાલમાં જ યુવતિના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારે 21 વર્ષ કરવાના નિર્ણય અંગે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. ત્યારે વલસાડમાં આ સમગ્ર બાબતે ETV BHARAT દ્વારા મહિલાઓનો પ્રતિસાદ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે પૈકી મહિલા તબીબોએ સરકારના આ નિર્ણય અંગેની વિચારણા સંપૂર્ણ રીતે યોગ્ય ગણાવી છે.
આ ઉપરાંત જિલ્લાના પારડીમાં બાળ રોગોના નિષ્ણાત ડૉક્ટર જીજ્ઞા દલવાડી જણાવ્યું કે, સરકારનો વિચાર મારી દ્રષ્ટિએ ખૂબ યોગ્ય છે. કારણ કે, 18 વર્ષની ઉંમર એ યુવતીઓ માટે અપરિપક્વ હોય છે અને આ સમયે તેના લગ્ન કરવા એ યોગ્ય નથી. લગ્ન માટે યુવતી પરિપક્વ હોય તે ખૂબ જ જરૂરી હોય છે અને જેથી કરીને સરકારનો જે નિર્ણય વિચારાધીન છે, તે ખૂબ જ યોગ્ય છે.