- વાપી નગરપાલિકામાં 28મી નવેમ્બરે 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન
- વાપી પાલિકાના વોર્ડ 1માં અને 2માં જામશે ખરાખરીનો જંગ
- બંને વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખીઓ જંગ
વાપી : વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. વાપીમાં 28મી નવેમ્બરે 11 વોર્ડની 44 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના મળીને કુલ 109 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ છે. વાપી પાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 1 અને 2માં ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો વિજય મેળવશે (Vapi Election Result 2021) તેવો આશાવાદ સેવ્યો છે, ત્યારે આ ચૂંટણી પ્રચારમાં વોર્ડ નંબર 1 અને 2માં ઉમેદવારો ક્યાં મહત્વના મુદ્દાને લઈને પ્રચાર કરી રહ્યા છે? લોકોનું શુ માનવું છે તે અંગે ETV ભારત સમક્ષ તમામે પોતાના અભિપ્રાય (Opinion of candidates-voters in Vapi Nagarpalika Election) રજૂ કર્યા હતાં.
આ પણ વાંચો: વાપી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપના કનું દેસાઈના હસ્તે મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડનું ઉદ્ઘાટન કરાયુ
આ પણ વાંચો: વાપી નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ એક બેઠક બિનહરીફ થતા ભાજપને ફાયદો, હવે 109 ઉમેદવારો માટે થશે મતદાન
આ ઉમેદવારો છે મેદાનમાં
વોર્ડ નંબર 1ની વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં ભાજપે જયેશ કંસારા, જ્યોતિબેન પાટીલ, જીતેન્દ્ર કાલાવડીયા અને સેજલબેન પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે આશાબેન પટેલ, જગજીવન રાઠોડ, જીગ્નેશ નાયકા અને શ્રુતિ પટેલ નામના ઉમેદવારોની પેનલ રચી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અંકુશ પટેલ, દીપ્તિ વર્મા અને બિપિન તોમર નામના 3 ઉમેદવારોને ટીકીટ આપી છે.
ભાજપે ગત ટર્મમાં દરેક મહત્વના કામ પૂર્ણ કર્યા
ગત ટર્મમાં વોર્ડ નંબર 1ની પેનલ ભાજપે જીતી હતી. જેમાના ઉમેદવાર જયેશ કંસારા, જીતેન્દ્ર કાલાવડીયાને ભાજપે રિપીટ ટીકીટ આપી છે. વોર્ડ નંબર 1માં ભાજપે કરેલા વિકાસના કામો અંગે જયેશ કંસારાએ જણાવ્યું હતું કે, ગત ટર્મમાં અમે દરેક કામ પૂર્ણ કર્યા છે. પદાધિકારીઓનો સહકાર લઈ રસ્તાના, પાણીના, પેવર બ્લોકના પ્રશ્નો હલ કર્યા છે અને હાલના તબક્કે પ્રચારમાં લોકોનો સહકાર મળી રહ્યો છે. તેમના દ્વારા બાકી કામના જે સૂચનો મળી રહ્યા છે, તેમાં ફરી ખરા ઉતરવા મતદારોને ખાતરી આપી રહ્યા છીએ.
કોંગ્રેસના ઉમેદવારોની અધૂરા કામ પુરા કરવાની ખાતરી
કોંગ્રેસના ઉમેદવાર જગજીવન રાઠોડે જણાવ્યું હતું કે, ગત ટર્મમાં ભાજપ શાસિત પાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં કોઈ જ મહત્વના કામ થયા નથી. અન્ય વોર્ડમાં દિવસના 2 ટાઈમ પાણી મળે છે અને વોર્ડ નંબર 1માં માત્ર એક ટાઈમ મળે છે. રસ્તાના કામ અધૂરા છે. ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો યથાવત છે. અમે મોંઘવારી સહિત સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારો સમક્ષ જઇ રહ્યા છીએ અને એક વાર કોંગ્રેસને મત આપી વિશ્વાસ મુકો અમે તમામ અધૂરા કામ પુરા કરીશું તેવી ખાતરી આપી રહ્યા છીએ.
ભાજપના નારાજ ઉમેદવારો આપ પાર્ટીમાં
જો કે વોર્ડ નંબર 1ની જેમ વોર્ડ નંબર 2ની વાત કરીએ તો અહીં ભાજપે જશોદાબેન પટેલ, તસ્લિમ સુલતાન બાબુલ, ધર્મેશ પટેલ અને મનોજ નંદાણીયા નામના સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે તેમની સામે કોંગ્રેસે અજય રમેશ જેવા યુવા ઉમેદવાર સહિત નરેશ પટેલ, નંદાબેન પટેલ અને આ વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવતા કલ્પેશ પટેલના પત્ની શિલ્પા પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આપ પાર્ટી તરફથી હારુન ઇસ્માઇલ શેખ, ધર્મિષ્ઠા સાવંત, જ્યોત્સના પટેલ અને કેતન પટેલ નામના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જ્યોત્સના પટેલે ગત ટર્મમાં આ વોર્ડમાં ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી. આ વખતે ભાજપે ટીકીટ નહિ આપતા તેમણે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે.
ભાજપના શાસનમાં અનેક વિકાસના કામ કરવા છતાં વરસતા વરસાદમાં ચૂંટણી પ્રચાર
વોર્ડ નંબર 2 માટે પણ પુરજોશ પ્રચારમાં ઉતરેલા ભાજપ પેનલના ઉમેદવાર મનોજ નંદાણીયા વ્યવસાયે ઉદ્યોગપતિ અને સમાજિક ક્ષેત્રે સંકળાયેલા છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પ્રચારમાં સૌનો સાથ સૌનો વિકાસ એ અમારો મંત્ર છે. વોર્ડ નંબર 2 માંપાયાની જરૂરિયાત કહેવાતા રસ્તા, પાણી, લાઈટ, ગટરના કામો ભાજપે અગાઉના શાસનમાં કરીને આપ્યા છે. હાલ વરસતા વરસાદમાં પણ અમે પ્રચાર કરી રહ્યા છીએ અને મતદારો અમારી પેનલ વિજેતા બને તે માટે આશીર્વાદ આપી રહ્યા છે.
કોંગ્રેસ પાસે મોંઘવરી, સ્થાનિક પાયાગત સુવિધાઓ મુખ્ય મુદ્દા
વોર્ડ નંબર 2માં કોંગ્રેસે યુવા ચહેરા તરીકે અજય પટેલને ટીકીટ આપી છે. મહિલા ઉમેદવાર તરીકે શિલ્પા પટેલને ટીકીટ આપી છે. આ ચૂંટણીમાં જીત મેળવવા આ બંને ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમારી પાસે ઘણા મુદ્દા છે. મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ-સિલિન્ડરના ભાવ વધારાથી સામાન્ય જનતા પીડાઈ રહી છે. સ્થાનિક વોર્ડમાં ગંદકી, પાણી, રસ્તાની સમસ્યા છે. બિલ્ડરોને આડેધડ બાંધકામની પરમિશને ગંદકી અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી કરી છે. એટલે મતદારોનો ખૂબ સારો રિસ્પોન્સ કોંગ્રેસને મળી રહ્યો છે અને અમે સત્તા પર આવશું તો સ્થાનિક દરેક સમસ્યાનું નિરાકરણ લાવશું તેવી ખાતરી આપી રહ્યા છીએ. લોકો પણ આ વખતે કોંગ્રેસ સાથે છે.
મતદારો આજે પણ પૂર્વ પ્રમુખની કામગીરીને વખાણે
જો કે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં સ્થાનિક મતદારોએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1 અને 2માં પૂર્વ પ્રમુખ હાર્દિક શાહે ખૂબ જ સારા કામ કર્યા છે. જે બાદ સત્તા પર આવેલ સત્તાધીશોએ આ વોર્ડમાં જોઈએ તેવા કામ કર્યા નથી, એટલે આ વોર્ડમાં કોઈપણ પક્ષના ઉમેદવાર જીતે પણ તે પ્રજાલક્ષી કામો કરવા તત્પર હોવા જોઈએ.
વોર્ડ નંબર 1માં 1011 મતદારોનો વધારો
વોર્ડ નંબર 1 અને 2માં આવતા મુખ્ય વિસ્તારની અને ગત ટર્મમાં થયેલ કામગીરી, વોર્ડમાં કુલ કેટલા મતદારો છે, તે અંગે વાત કરીએ તો વોર્ડ નંબર 1માં અજીત નગર, મિથુન પાર્ક, ભાગ્યોદય સોસાયટી, ચલા પાર્ક, ગુરુકુળ રોડ, હળપતિવાસ, ભરવાડ ફળીયુ, અપનાઘર સોસાયટી, પટેલ ફળિયું, રોહિતવાસ અને ભરવાડ ફળિયાનો સમાવેશ થાય છે. જ્યાં વર્ષ 2016ની પાલિકાની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા 5326 હતી, જે વધીને હાલમાં 6337 જેટલી થઇ છે. 1011 મતદારોનો વધારો થયો છે. અહીં ખાસ કરીને જૈન, દેસાઈ, કામળી પટેલ, પાટીદાર, હળપતિ, રોહિત, મહારાષ્ટ્રીયન તથા અન્ય પરચૂરણ સમાજના મતદારો છે. આ વોર્ડમાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો દબદબો છે. એટલે ભાજપ દ્વારા ઉતારેલા ઉમેદવારોનું પલડું અન્ય પક્ષો સામે મજબૂત છે.
વોર્ડ નંબર 2માં 2251 મતદારોનો વધારો
એ જ રીતે વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 2ની વાત કરીએ તો વોર્ડ નંબર 2 માં સતાધાર સોસાયટી, ડુંગરી ફળિયા, ચીકુવાડી ચલા રોડ, કરસનજી પાર્ક, મહાલક્ષ્મી નગર, મોહિત પાર્ક, મુક્તાનંદ માર્ગ, રંગ અવધૂત સોસાયટી, પ્રમુખ પાર્ક, શ્રીનાથજી સોસાયટી, કસ્ટમ રોડ, કંચન જંગા સોસાયટી, ખોજા સોસાયટી, જગનપાર્ક, યુનિટી પાર્કનો સમાવેશ થાય છે. અહીં મતદારોની સંખ્યાની વાત કરીએ તો ગત પાલિકાની ચૂંટણી સમયે કુલ મતદારોની સંખ્યા 7397 હતી. જે વધીને હાલમાં 9648 જેટલી થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં 2251 જેટલા મતદારોનો વધારો થયો છે. આ વોર્ડમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે. વોર્ડ નંબર 2માં મુસ્લિમ ખોજા સમાજ, ધોડિયા પટેલ, હળપતિ તેમજ પાટીદાર અને રાજસ્થાની સમાજના લોકોની બહુમતી છે. ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં ભલે અહીં ભાજપે પેનલ ટૂ પેનલ વિજય મેળવ્યો હોય પરંતુ આ વખતે સમીકરણો બદલાયા છે અને તેનો ભરપૂર ફાયદો કોંગ્રેસના અને આપના ઉમેદવારો ઉઠાવવામાં સફળ થયા તો ભાજપે અહીંની 8માંથી અડધી બેઠક ખોવી પડશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.