- દક્ષિણ ગુજરાતમાં ડાંગર પર દુષ્કાળના વાદળો
- paddy plantation લઇ ખેડૂતોમાં ચિંતાજનક માહોલ
- 15મી જુલાઈ સુધી નથી વરસ્યો સારો વરસાદ
વાપી: દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર ( paddy plantation )કરે છે. તેમનો મુખ્ય ખોરાક પણ ડાંગર છે. જો કે આ વખતે 15મી જૂન આસપાસ વરસતો સારો વરસાદ 15મી જુલાઈ સુધી વરસ્યો નથી. જેને કારણે વાવણી બાદ રોપણીનું કાર્ય માંડ 20 ટકા થયું છે. હાલની પરિસ્થિતિને જોઈને અને હવામાન વિભાગની સતત પડી રહેલી ખોટી આગાહીથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતોમાં ચિંતાના વાદળો
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન મોટેભાગે 15મી જૂન પછી જિલ્લામાં સામાન્ય રીતે ખૂબ સારો વરસાદ વરસતો હોય છે. પરંતુ આ વખતે 15 જૂલાઈ આવી ગઈ છે. પરંતુ જોઈએ તેટલો સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયાં છે. આ અંગે વલસાડ જિલ્લાના બોરીગામ ગામના ખેડૂત કેતન નંદવાણાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસશે કે કેમ તે દુવિધા છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી પણ સતત ખોટી પડી રહી છે.
મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે ખેડૂતો
વલસાડ જિલ્લામાં મોટેભાગે આદિવાસી ખેડૂતો છે. જેઓનો મુખ્ય ખોરાક જ ચોખા હોઇ મુખ્ય પાક પણ ડાંગર જ ( paddy plantation ) છે. પરંતુ વરસાદ ખેંચાતા આ વર્ષે હજુ સુધી ધરુ પણ તૈયાર થયા નથી. જો કે કેટલાક ખેડૂતો પાસે કૂવા-બોર અને મોટરની સગવડ છે. એટલે એવા ખેડૂતોએ રોપણીનું કાર્ય આરંભ્યું છે. જ્યારે બાકીના હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે.
દમણગંગા નહેર અને GEB એ કેટલાકને તારવ્યાં
કેતન નંદવાણાએ આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન એક રજૂઆતની સાથે જ દમણગંગા નહેર વિભાગે નહેરમાં પૂરતું પાણી આપ્યું, GEBએ 8 કલાકની સામે 10 કલાક વીજ પુરવઠો આપ્યો એ માટે આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ સાથે સાથે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. કે આ સુવિધા અમુક ગામ કે વિસ્તાર પૂરતી સીમિત છે. એટલે મોટાભાગના ખેડૂતો હજુ પણ ચિંતાજનક પરિસ્થિતિમાં છે અને મેઘાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
આ વરસે વરસાદ પડ્યો જ ના કહેવાય
તો રાકેશ પુરોહિત નામના બોરીગામના અન્ય ખેડૂતે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વરસે વરસાદ પડ્યો જ નથી તેમ કહેવું જરાય ખોટું નથી. જે વરસાદ પડ્યો છે તે માત્ર વાવણીલાયક વરસાદ કહી શકાય. રોપણીલાયક વરસાદ તો પડ્યો જ નથી. એટલે જે ખેડૂતો પાસે ટ્યુબવેલ, વીજ પુરવઠાની સગવડ હતી તે ખેડૂતોને તકલીફ ઓછી વર્તાઈ છે. પરંતુ નાના ખેડૂતો અને આવી સુવિધાથી વંચિત ખેડૂતોની હાલત દયનીય છે.
આ પણ વાંચોઃ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત
માત્ર 20 ટકા જ રોપણી થઈ
ખેડૂતોનું માનવું છે કે જો આગામી બે-ચાર દિવસમાં વરસાદ આવી જાય તો ખેડૂતોને ઘણી રાહત થશે પણ જો એકાદ સપ્તાહ સુધી લંબાશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન જશે દક્ષિણ ગુજરાતમાં 80 ટકા ખેડૂતો ડાંગરનું વાવેતર ( paddy plantation ) કરે છે. જેમાં આ વખતે માત્ર 20 ટકા જ રોપણી થઈ છે. જે સમયમાં સામાન્ય રીતે 80 થઈ 90 ટકા રોપણી થાય છે.
વીજબિલના ખર્ચ પણ માથે પડશે
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે ડાંગરની રોપણીમાં ( paddy plantation ) જેટલો વિલંબ થશે તેટલો જ વિલંબ તેને તૈયાર થવામાં થશે. જ્યારે ઉત્પાદન ઘટશે એટલે હાલ તો નાના ખેડૂતો માટે દુષ્કાળના વાદળો ઘેરાયાં છે. તો, મોટા ખેડૂતો વીજબિલ અને અન્ય ખર્ચને કારણે જોઈએ તેવો નફો મળશે નહીં તેની ચિંતામાં છે.
આ પણ વાંચોઃ Navsari Agricultural University નિષ્ણાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડાંગર સહિતના પાક અંગે વિશેષ ટિપ્સ આપી