વાપી: સંઘપ્રદેશ દમણમાં મંગળવારના રોજ ચાર નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિ પહેલેથી ક્વોરેન્ટાઇન હતો. જ્યારે 2 કેસ દુણેઠા વિસ્તારની રાધા માધવ રેસિડેન્સીમાંથી મળી આવ્યા છે. અહીંની બી વિંગમાં એક ફ્લેટમાં રહેતા પતિ પત્નીના બે દિવસ પહેલા કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે મંગળવારના રોજ પોઝિટિવ નીકળ્યા છે.
આ બંને પતિ-પત્ની સોમનાથની એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. ત્યારે મંગળવારના રોજ આવેલા ચાર કોરોના કેસ સાથે દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 67 થઇ છે, જયારે એક વ્યક્તિ રિકવર થતા તેને રજા આપવામાં આવું હતી, આ સાથે દમણમાં અત્યાર સુધીમાં કુલ 26 દર્દીઓ રિકવર થતા તેમને રજા આપવામાં આવી છે. તો રાધા માધવ બિલ્ડિંગની બી વિન્ગને નવું કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવા સાથે દમણમાં કુલ કંટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 26 થઇ જવા પામી છે. જેમાં 14 ડાભેલમાં, 5 કચીગામમાં, 3 દુણેઠામાં અને 4 નાની દમણ મ્યુનિસિપલ વિસ્તારમાં છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 6 કેસ નવા નોંધાયા છે. દાદરા નગર હવેલીમાં એ સાથે કુલ એક્ટિવ કેસ 52 થાય છે. જ્યારે 54 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મંગળવારના નવા કેસ સાથે વધુ 2 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતા અગાઉના 28 મળી કુલ 30 કન્ટેનમેન્ટ ઝોન થયા છે.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં બીજી વખત એકસાથે 21 કેસ નોંધાયા છે. જેમાં 12 વાપીના છે. જ્યારે બાકીના અન્ય તાલુકાના છે. જિલ્લામાં મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું હતું. એ સાથે જિલ્લામાં 4 લોકોના મૃત્યુ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ કેસ પણ વાપીમાં નોંધાયા છે. વાપીમાં અત્યાર સુધીમાં કુલ 82 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 46 એક્ટિવ છે અને 31ને રજા આપી છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 154 જિલ્લાના દર્દીઓ નોંધાયા છે. જિલ્લા બહારના 29 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી કુલ 98 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 73 દર્દીઓને રજા આપવામાં આવી છે.