વલસાડ: જિલ્લાના વાપી સર્કિટ હાઉસ ખાતે માર્ગ અને મકાન વિભાગના ચીફ ઈજનેર પી. એમ. ચૌધરી, સુરતના સિનિયર એક્ઝિક્યુટિવ એન. જે. ચૌધરી, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓએ વલસાડ જિલ્લાના PWD ના અધિકારીઓ સાથે ખાસ મુલાકાત કરી જિલ્લાના ખરાબ માર્ગો અંગે સમીક્ષા કરી હતી.
આ મીટિંગમાં રાજ્યપ્રધાન રમણ પાટકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે ઉમરગામ સહિત વલસાડ જિલ્લાના ખાડામાર્ગની વિગતો આપી હતી. આ અંગે પાટકરે જણાવ્યું હતું કે, ગત સપ્તાહે કેબિનેટની મીટિંગમાં ખરાબ રસ્તાઓના જે અહેવાલ ETV સહિતના સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા હતાં. તે અંગે તાત્કાલિક નિર્ણય લઈ તમામ જિલ્લામાં સ્થળ મુલાકાત લઈ રસ્તાઓના કામ શરૂ કરવાની તાકીદ કરાઈ હતી. જે અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ 5 જિલ્લાની મુલાકાત લઈ બિસ્માર માર્ગોની સ્થળ તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
વલસાડ જિલ્લામાં વાપીથી સેલવાસ તરફ ચંદ્રલોક પાસે દર ચોમાસે તૂટતો રોડ સિમેન્ટ કૉંક્રીટનો બનાવવા ઉપરાંત, વાપી ધરમપુર રોડ, ઉમરગામમાં ખાતલવાડા, ધનોલી, અંકલાશ, સરીગામ બાયપાસ રોડ સહિત જિલ્લાના જે પણ મુખ્ય રસ્તાઓ છે, તેની મરામત અને ડામર કામ, સિમેન્ટ કૉંક્રીટ કામ, માર્ગ પહોળાઈ સહિતની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
આ માટે અધિકારીઓએ ઉમરગામ, વાપી, પારડી, વલસાડના બિસ્માર માર્ગોની સ્થળ મુલાકાત પણ લીધી હતી. આશા રાખીએ કે, આગામી દિવસોમા જિલ્લાના તમામ બિસ્માર માર્ગોનું નવીનીકરણ ગત વર્ષની જેમ માત્ર વચન પૂરતું ના રહેતા ખરા અર્થમાં નવીનીકરણ પામે અને વાહનચાલકોને સારા રસ્તા વહેલી તકે ઉપલબ્ધ થાય.