કપરાડા તાલુકાના માનલા ગામમાં વર્ષોથી સ્મશાન ભૂમિનું મકાન ન બનાવવામાં આવતા લોકોને ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવા પડે છે. પરંતુ મુશ્કેલી તો ત્યારે સર્જાય છે, જ્યારે વધુ વરસાદ હોય અને કોઈનો અગ્નિ સંસ્કાર કરવાનો હોય. તે સમયે કોઈ વૈકલ્પિક રીતે અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડે છે. ત્યારે આવી પરિસ્થિતિ બુધવારે સર્જાઈ હતી. માનલા ગામમાં આલાય ફળીયામાં રહેતા દાદુભાઈ ભોયાનું મૃત્યુ થયું હતું. એમની સ્મશાન યાત્રા પણ અતિ દુર્ગમ એવા માર્ગોમાંથી પસાર થઈને સ્મશાન ભૂમિ સુધી પહોંચી હતી. પરંતુ વરસતા વરસાદમાં અગ્નિદાહ આપવો સંભવ ના હોવાથી લોકોને તાડપત્રી બાંધીને અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હતી.
અત્રે નોંધનીય છે કે, વર્ષોથી સ્મશાન ભૂમિનો માર્ગ અને સ્મશાન ભૂમિ માટે મકાન બનાવી આપવા માટે ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી ના તો રોડ બન્યો કે ના તો સ્મશાન. જેને કારણે ચોમાસામાં કોઈનું મૃત્યુ થાય તો અગ્નિદાહ કરવાની લોકોને હાલાકી પડે છે.