- જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાત્રી દરમિયાન વેક્સિનેશન કાર્યક્રમનો કરવામાં આવ્યો પ્રારંભ
- વલસાડ જિલ્લામાં ત્રીજા તબક્કામાં વેક્સિનેશનની કામગીરી શરૂ
- દિવસ દરમિયાન 70 સેશન બાદ એક્સ્ટેંશન કરી રાત્રી દરમિયાન વેક્સિનેશન
વલસાડ: જિલ્લાના શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ કક્ષાએ મોટાભાગે જીવન ગુજરાન ચલાવવા માટે લોકો દિવસ દરમિયાન પોતાના ઘરેથી વહેલી સવારથી નિકળી જતા હોય છે અને રાત્રી દરમ્યાન પોતાના ઘરે કામકાજ પતાવીને પરત થતા હોય છે, ત્યારે દિવસ દરમિયાન વેક્સિનેશન ડ્રાઈવ(vaccination drive)માં વેક્સિન ન લઈ શકનાર આ મજુર વર્ગ અને નોકરીયાત લોકો માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન વિવિધ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઇ છે જેમાં લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ પણ વાંચો: Surat rural vaccination update - સુરત આરોગ્ય વિભાગ દ્વારા 6,906 લોકોએ કોરાના રસી લીધી
ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારમાં પણ રાત્રી દરમિયાન vaccination drive
ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં લોકો રોજમદારની કામગીરી કરી પેટિયું રળતા હોય છે, વહેલી સવારથી સાત વાગ્યાથી પોતાના ઘરેથી નીકળી રોજી મેળવવા માટે વલસાડ અને વાપી જેવા શહેરો તરફ આવતા હોય છે અને મોડી સાંજે પોતાના નિવાસસ્થાને પરત ફરે છે, ત્યારે આવા સંજોગોમાં દિવસ દરમિયાન તેમને વેક્સિન મળી શકે તેમ નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરી રાત્રી દરમિયાન વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Corona Vaccination: પાટણ સાંસદના આદર્શ ગામમાં ત્રણ મહિનામાં 70 ટકા કોરોના રસીકરણ થયું
દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા સેશન યોજાય છે અને રાત્રિ દરમિયાન તેમાં એક્સ્ટેંશન કરવામાં આવે છે
વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને વેક્સિન બાકી ન રહે તેવા હેતુ સાથે સુઆયોજિત આયોજન કરી રાત્રી દરમિયાન પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં દિવસ દરમિયાન 70 સેશન વેક્સિનેશનના કરવામાં આવે છે, જેનું એક્સ્ટેંશન કરી રાત્રી દરમિયાન પણ વેક્સિનેશન કામગીરી કરાઈ રહી છે. જેમાં લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.