મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આદેશ અનુસાર વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ તમામ તળાવ આ ચોમાસામાં છલોછલ ભરાયા બાદ વન અને આદિજાતિ રાજ્ય પ્રધાન રમણ પાટકરે તમામ તળાવનું નિરીક્ષણ અને જળ પૂજન કર્યું હતું.તમામ તળાવકાંઠે નાળિયેર પધરાવી જળ પૂજન સાથે તળાવની આસપાસ સૌન્દર્યકરણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.ઉમરગામ તાલુકાના કોળીવાડ, નારગોલ, ખતલવાડા, દહેરી ભિલાડ, વલવાડા, કલગામ, મોહનગામ, ફણસા, પારડી, ઉમરસાડી સહિતના સ્થળોએ તળાવની મુલાકાત લઇ નીરના વધામણા કરી બારેમાસ આ તળાવો પાણીથી ભરેલા રહે તેવી પ્રાર્થના કરી હતી. આ તળાવની મુલાકાત વેળાએ રાજ્ય પ્રધાન સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્ય પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના લોકોપયોગી સાબિત થઈ છે. વલસાડ જિલ્લામાં તળાવો ઉંડા કરવાનો કાર્યક્રમ મરોલી ખાતેના અંધા તળાવ ખાતેથી કરાવ્યો હતો. આ તળાવ પાણીથી છલોછલ ભરાઇ જતાં તેનું પાણી ઘર સુધી પહોંચશે. ગુજરાતમાં સારો વરસાદ થવાથી તળાવો ભરાવાના કારણે અનાજ રોપણી કરવા માટે ખેડૂતો સ્વાવલંબી બની ગયા છે. તળાવના પાણીને પાઇપલાઇન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. તળાવમાં પાણીનો સંગ્રહ થવાથી કૂવા અને બોરમાં પાણીના તળ ઉંચા આવશે. અને ઉનાળાની સિઝનમાં પડતી પાણીની તકલીફથી છુટકારો મળશે.
નલ સે જલ યોજનાના લાભાર્થીઓની નોંધણી કરી તેમને તેનો લાભ આપવામાં આવશે. તળાવના પાણીનો સદુપયોગ કરવા સંબંધિત ગામના સરપંચોને અનુરોધ કર્યો હતો. ગામના દરેક ઘરમાં એક છોડ આપવામાં આવશે જે ઘરે તંદુરસ્ત ઝાડ બની ગયા હશે તેમનું ભવિષ્યમાં સન્માન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ જળ અભિયાન 2019 અંતર્ગત થયેલી કામગીરી મુજબ ઉમરગામ તાલુકાના 11 ગામોમાં તળાવ ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામોમાં 70,461 ઘનમીટર માટીનો જથ્થો ખોદવામાં આવ્યો હતો. આ કામગીરી થવાથી તળાવની હાલની સંગ્રહ શક્તિમાં આશરે 2.5 મિલિયન ઘન ફૂટનો વધારો થયો છે. આ 11 તળાવો પૈકી ચાર તળાવો 100 ટકા લોકભાગીદારીથી થયેલા છે. તળાવો ઉંડા કરવાની કામગીરી માટે 21.12 લાખનો ખર્ચ થયો છે.જે પૈકી સરકાર પક્ષે કુલ 8.30 લાખનો ખર્ચ થયેલો છે. એ જ રીતે વાપી તાલુકામાં ચાર ગામોમાં તળાવો ઉંડા કરવાની કામગીરી કરી 24277 ઘનમીટર માટીનો જથ્થો ખોદવામાં આવ્યો હતો. હાલની સંગ્રહ શક્તિમાં આશરે 0.86 મિલિયન ઘન ફુટનો વધારો થયેલો છે. સદર તળાવો પૈકી ત્રણ તળાવો 100 ટકા લોકભાગીદારીથી થયેલો છે. તળાવો ઉંડા કરવાની કામગીરી માટે 7.28 લાખનો ખર્ચ થયો હતો. જે પૈકી સરકાર પક્ષે કુલ રૂપિયા 1.17 લાખનો ખર્ચ થયેલો છે.
તો, જિલ્લાના ઉમરગામ તાલુકામાં શાખા વિશાખા સબમાઈનોર નહેરો પૈકી ઉમરગામ તાલુકાના નવ ગામોમાં આશરે 15.10 કિલોમીટર નહેરોની સાફ સફાઈ તેમજ ડી-સિલટીંગની કામગીરી પણ કરવામાં આવી હતી. જે અન્વયે 10.11 લાખનો ખર્ચ થયો હતો. વાપી તાલુકામાં બે ગામોમાં આશરે 6.0 કિલોમીટર નહેરોની સાફ સફાઈ તેમજ ડી-સિલટિંગની કામગીરી કરવામાં આવી હતી. જે માટે રૂપિયા 1.83 લાખનો ખર્ચ થયો હતો. પારડી તાલુકામાં કુલ પાંચ ગામમાં આશરે 7.12 કિલોમીટરમાં નહેરોની સાફ સફાઈ તેમજ ડી-સિલટીંગની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે રુપિયા 7.36 લાખનો ખર્ચ થયો હતો. કપરાડા તાલુકામાં એક ગામમાં 1.96 કિલોમીટર નેહેરોમાં સાફ-સફાઈ તેમજ ડી-સિલટીંગની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે 1.44 લાખનો ખર્ચ થયો હતો.
રાજ્યપ્રધાનની મુલાકાત વેળાએ દમણગંગા કાર્યપાલક ઇજનેર બી. એમ. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર એ. એન. પટેલ, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, PGVCLના અધિકારી-કર્મચારીઓ, ગામોના સરપંચ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.