વાપી: ગુજરાતના વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દમણમાં ફરી કોરોનાએ પોતાનું કાલ ચક્ર વીંઝવાનું શરૂ કર્યું છે. વલસાડ જિલ્લામાં શનિવારે 19 તો દમણમાં 18 અને દાદરા નગર હવેલીમાં 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં શનિવારે વધુ 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 14 દર્દીઓને રજા આપવામાં આવી હતી. વલસાડમાં શનિવારે ફરી એકવાર વાપીમાં સૌથી વધુ 11 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. એ ઉપરાંત વલસાડ તાલુકામાં 4, પારડીમાં 1, ઉમરગામમાં 3 દર્દીઓ નોંધાયા હતાં.
જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 539 થઈ છે. જેમાંથી 176 દર્દીઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે. જ્યારે 313 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી રજા મેળવી છે. તો, મહામારીની જંગ સામે શનિવારે વધુ એક દર્દીએ પોતાની જાન ગુમાવી હતી. જિલ્લામાં કોરોનાને કારણે નોંધાયેલો મૃત્યુઆંક 6 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી હતી. જ્યારે અન્ય જિલ્લાના 3 દર્દીઓ મળી કુલ 53 દર્દીઓને કોરોના એ પોતાના કાળમાં સમાવી લીધા છે.
જિલ્લામાં તાલુકા મુજબ જોઈએ તો કુલ 539 પોઝિટિવ દર્દીઓમાં સૌથી વધુ 259 દર્દીઓ વાપીના છે. જેમાંથી 167 સારા થઈ ચૂક્યા છે. જ્યારે 63 સારવાર હેઠળ છે. 29 દર્દીઓ મોતને ભેટ્યા છે. વલસાડ તાલુકાના 143 દર્દીઓમાંથી 54 સારવાર હેઠળ તો, 81 સારવાર માંથી મુક્તિ મેળવી ચુક્યા છે. 8 દર્દીઓના મોત નીપજ્યાં છે. પારડી તાલુકામાંથી 66 દર્દીઓમાંથી 25 સારવાર હેઠળ, 32ને સારવારમાંથી મુક્તિ, 9નાં મોત થયા છે. ઉમરગામ તાલુકામાંથી 36 દર્દીઓમાં 17 સારવાર હેઠળ, 16ની મુક્તિ, 3ના મૃત્યુ નોંધાયા છે. ધરમપુર તાલુકામાં 14માંથી 8 સારવાર હેઠળ, 5 રિકવર 1નું મૃત્યુ, કપરાડા તાલુકામાં 21માંથી 9 સારવાર હેઠળ, 12 રિકવર જ્યારે એકપણ મૃત્યુ નોંધાયું નથી.
સંઘપ્રદેશ દમણમાં શનિવારે 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. 10 દર્દીઓ રિકવર થયા હતાં. દમણમાં કુલ 440 દર્દીઓમાંથી 143 એક્ટિવ દર્દીઓ છે. તો, 297 દર્દીઓને સારવાર માંથી રજા આપવામાં આવી છે.
દમણમાં કોરોનાના કહેરને કારણે શનિવારે એપાર્ટમેન્ટ, ચાલ, એજન્સી, હોસ્પિટલ સ્ટોર રૂમ, પેકેઝિંગ કંપની, કોમ્પ્લેક્ષ સહિત 11 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 92 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ શનિવારે કોરોનાનું કાળ ચક્ર તેજગતિએ ફર્યું હતું. દાદરા નગર હવેલીમાં શનિવારે 19 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 177 થઈ છે. 3 દર્દીઓ ડિસ્ચાર્જ કરવા સાથે કુલ 225 દર્દીઓને રજા મળી ચૂકી છે.
જો કે, દાદરા નગર હવેલીમાં જેમ કોરોનાના કુલ કેસ 402 થયા છે. તે જ રીતે કુલ કન્ટેનમેન્ટ ઝોન પણ રેકોર્ડ બ્રેક થયા છે. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 162 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતનો વલસાડ જિલ્લો હોય કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ આ સમગ્ર વિસ્તારમાં કોરોનાનો કહેર હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ ધકેલાય રહ્યો છે. જે જોતા હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચતા પહેલા હજુ કેટલા દર્દીઓને પોતાના કાળમાં સમાવશે તે ચિંતા ઘેરી બની રહી છે.