- રાંધામાં બનશે નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલ
- સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે
- આદિવાસી બાળકોને નિઃશુલ્ક અભ્યાસ અને સૈનિક તાલીમ આપશે
વાપી : આગામી 24મી જાન્યુઆરીએ દાદરા નગર હવેલીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવશે. દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ અને વિદ્યાભારતી સંસ્થાનના સંગઠન પ્રધાન પ્રકાશચંદ્રના હસ્તે તેનું ભૂમિપૂજન કર્યા બાદ વર્ષ 2022 સુધીમાં શાળાનું નિર્માણકાર્ય પૂર્ણ કરી સૈનિક અભ્યાસ મેળવવા માંગતા બાળકોને પ્રવેશ અપાશે.
આ સૈનિક સ્કૂલની વિગતો જનજન સુધી પહોંચે તે માટે વાપીમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠનના પ્રદેશ પ્રધાન મહેશ પતંગે વિગતો આપી હતી કે, છેલ્લા પાંચ વર્ષના અથાગ પ્રયત્નો બાદ આખરે દાદરા નગર હવેલીના રાંધા ક્ષેત્રમાં સ્કૂલ નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્કૂલ કુલ 18 એકરમાં હશે. 630 બાળકો તેમાં અભ્યાસ કરશે.
આ સંસ્થાન દેશના બાળકોમાં શિસ્ત આવે નિર્ણયશક્તિ કેળવી શકે તે માટે સામાન્ય શાળા અભ્યાસ સાથે સેના અભ્યાસ પૂરો પાડશે. અંગ્રેજી-ગુજરાતી માધ્યમની આ સૈનિક સ્કૂલમાં મુખ્યત્વે દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્રના બાહુલ આદિવાસી બાળકો અભ્યાસ કરી શકે. દેશસેવા કાજે ઉચ્ચ શિક્ષા સાથેની તાલીમ મેળવી શકે તે માટે નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવશે. એ ઉપરાંત અન્ય બાળકો માટે નજીવી ફીના ધોરણે સૈનિક તાલીમ આપવામાં આવશે.
વિદ્યાભારતી સંસ્થાન દ્વારા સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલમાં બાળકો સેનાની તાલીમ મેળવી શકે તે માટે દેશની જે સૈનિક શાળાઓ છે. તેમાંથી પ્રેરણા લેવામાં આવી છે. બાલાચડી જેવી સૈનિક શાળામાં જે રીતે શિક્ષા અને તાલીમ આપવામાં આવે છે તેવી તાલીમ અને શિક્ષા આપવામાં આવશે.
2022માં શાળાના ભવનનું નિર્માણકાર્ય પૂરું થયા બાદ ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં તમામ બાળકોએ શાળા સંકુલમાં રહીને અભ્યાસ અને તાલીમ મેળવવી પડશે. 630 બાળકોની ક્ષમતા સાથેના અત્યાધુનિક શાળા સંકુલમાં દરરોજ શારીરિક કસરતો, પરેડ અને કવાયત, પર્વતારોહણની તાલીમ, યોગ, મેદાની રમતો, સ્વિમિંગ, ઘોડેસવારી, રાઇફલ ટ્રેનિંગ, ધનુરવિદ્યા, મેપ રીડિંગ, લશ્કરી અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે.
સેનાના જવાનો તાલીમ આપશે
ઉલ્લેખનીય છે કે, આ સૈનિક સ્કૂલમાં સેનાના નિવૃત જવાનો, સેનામાં કાર્યરત અધિકારીઓ સાથે સંકલન સાધી તેમની પાસે બાળકોને અભ્યાસની તાલીમ આપવામાં આવશે. પત્રકાર પરિષદમાં વિદ્યાભારતી ગુજરાત સંગઠનના સભ્યો, નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કૂલ કમિટીના પ્રમુખ બદરુદ્દીન હાલાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.