વલસાડઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ સર્ક્યુલેશનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાથી સિક્સ એનડીઆરએફની ટીમને વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
NDRFની આ ટીમ ધરમપુર રોડ ખાતે આવેલા ઢોડિયા સમાજના હોલમાં હાલ રોકાઈ છે. NDRFની આ ટીમે વલસાડના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ સર્વે હાથ ધર્યું છે. જેથી કરીને ભારે વરસાદના સમયે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જાય તે સમયે કોઈ પણ સ્થિતિને પોહચી વળવા સજ્જ છે. આ ટીમ લાઈફ જેકેટ, હોડી, પી પી ઇ કીટ સહિતની તમામ ચીજો સાથે સજ્જ છે. મહત્વનું છે કે, NDRF સિક્સ ટીમે થોડા દિવસ અગાઉ ઉમરગામના સંજાણ બંદરે અને ઘોડી પાડા વિસ્તારમાં 242 લોકોનું રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યાં હતા.