નવરાત્રિના પર્વને લઈને ગરબે ઘુમવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે. ગરબે રમતી વખતે વિવિધ પ્રકારના ચણિયાચોળીની માગ મહિલાઓમાં વધુ જોવા મળે છે. બજારમાં વેચાણથી મળતા ચણિયાચોળી મનગમતા ન હોય અને મનગમતી ડિઝાઈનવાળા ન હોય ત્યારે મહિલાઓ દ્વારા પોતાને મનગમતી ડિઝાઇન બનાવવા માટે ચણિયાચોળીમાં ફેબ્રિક પેઇન્ટિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વલસાડ શહેરના એમ.જી.રોડમાં આવેલી મેંગો ટ્રી નામની દુકાન ધરાવતા એક મહિલાએ ફેબ્રિક પેઇન્ટિંગ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી અને ફેબ્રિક પેઇન્ટિંગનું પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ મહિલાઓએ જણાવ્યું કે, પોતાને મનગમતી ડિઝાઇન પોતાના જ ચણિયાચોળીમાં બનાવી ઘરમાં પહેરીને ગરબે ઘુમવાની મજા જ કંઈ અલગ હોય છે. શુક્રવાર ફેબ્રિક પેઇન્ટિંગ શીખીને તેઓ નવરાત્રી સમયે પોતાના ચણિયાચોળીમાં હાવ નવી ડિઝાઈન બનાવી તેને પહેરી ગરબામાં અન્ય ખેલૈયાઓ કરતાં તેઓ અલગ તરી આવશે.
નોંધનીય છે કે, સામાન્ય રીતે અઢી હજાર રૂપિયાથી લઇને 15 થી 20 હજાર રૂપિયા સુધીના ચણિયાચોળીઓ બજારમાં મળે છે, પરંતુ તેમાં મનગમતી ડિઝાઇન વાળા ચણીયા ચોળી મળી શકતા નથી. જેના કારણે હાલ વલસાડ શહેરમાં મહિલાઓમાં ફેબ્રિક પેઇન્ટિંગથી આકર્ષણ જમાવ્યું છે.