વાપીઃ હિંદુ પંચાગ મુજબ મહા સુદ પાંચમના દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી મા શારદાની પૂજા થાય છે. આ મહત્વના દિવસને ધ્યાનમાં રાખી ગુરુવારે વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી સાર્વજનિક સરસ્વતી પૂજા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં દોઢ દિવસ સુધી મા સરસ્વતીની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરી શુક્રવારે તેનું ભક્તોની હાજરીમાં દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે.
વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. ઉત્તરાયણ બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરી સરસ્વતી માતાની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવી જોઇએ તેમજ પુજા વખતે ‘ૐ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરવો. આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી વિદ્યામાં વૃદ્ધિ થાય છે. તેમજ એકાગ્રતામાં વધારો થાય તેવી માન્યતા છે, ત્યારે વિસરાતી આ પરંપરાને જાળવી રાખવા વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા KBS કોલેજના પટ્ટાંગણમાં મા સરસ્વતીની મનમોહક પ્રતિમાની સ્થાપના કરી માતાજીની આરતી, પૂજા, મહાઆરતી કરવામાં આવી હતી.
શ્રી સાર્વજનિક સરસ્વતી મહોત્સવમાં સાંજે મહાઆરતી બાદ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીના જાગરણ માટે ઉપસ્થિત ભક્તોને મનોરંજન મળી શકે તેવા ઉદ્દેશ્યથી ખાસ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગાયકો કંચનકુમાર રંગીલા સિંહ, શાલીની સિંહ, દિનેશ તિવારી, રૂપાલી ગુપ્તા ભજનોની રામઝટ બોલાવશે. દોઢ દિવસ માટે માતા સરસ્વતીની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરી શુક્રવારે તેને વિશાળ ભક્તોની હાજરીમાં દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વસંત પંચમી પ્રકૃતિનો ઉત્સવ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં ‘ઋતૂનાં કુસુમાકર:’ કહીને વસંતને પોતાની વિભૂતિ માની છે. જેમ યુવાની જીવનની વસંત છે. તેમ વસંત સૃષ્ટીની યુવાની છે. આમ, આપણી ઋતુઓમાં પણ વસંતનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.