ઉમરગામ: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસના પોઝિટિવ કેસો ગુજરાતમાં પણ મળી આવ્યા છે. જેથી ગુજરાત સરકાર અને અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. વલસાડ જિલ્લાના નારગોલ, મરોલી અને દાંડી ગામના બારી, ભંડારી, મીત અને માછી સમાજના 75થી વધુ લોકો વિદેશમાંથી પરત આવ્યા છે. જેથી તે તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
ઘરનું પેટિયું રળવા વિદેશમાં નોકરીએ ગયેલા અને પરત સ્વદેશ આવેલા આ તમામને 14 દિવસ સુધી ઘરમાં જ રહેવા અને ઘરની બહાર નહીં નીકળવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શરદી, ખાંસી તાવ આવ વગેરે જેવી બીમારી આવવા પર નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં તેમના ઘરે બિનજરૂરી લોકોની અવર-જવર અટકાવા માટે ઘરની બહાર સ્ટીકરો પણ આરોગ્ય વિભાગ દ્વારા લગાવવામાં આવ્યાં છે.
વિદેશથી આવેલા તમામ લોકોની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત ઉમરગામ તાલુકામાં અંદેજા 150 લોકો વિદેશમાંથી પરત આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે.