વલસાડઃ વાપીમાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સંવિધાન બચાવો સમિતિ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 71મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને સંબોધન કરવા માટે બંધારણના શિલ્પકાર ડૉ. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશ આજે 71મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. સંવિધાનના અમલ બાદ દેશનું આ 71મું વર્ષ છે. બાબા સાહેબ આ સંવિધાનના શિલ્પકાર હતા. બાબાસાહેબે દેશમાં ભાષા, ધર્મ, જાતિની જે વિવિધતા હતી, તેને સંવિધાનના માધ્યમથી એક કરી છે. તેઓ માનતા હતા કે, દેશમાં ભારતીયતા હોવી જોઈએ. આ અંગે ખાસ પ્રાવધાન બંધારણમાં રાખવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી, 1950 બાદ સત્તામાં આવેલી તમામ સરકારે દેશમાં ભારતીયતા તરીકે પ્રતિનિધિત્વ કરવું જોઈએ તે કર્યું નથી. જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે, તેમાં સરકારે બંધારણ મુજબ કામ કર્યું નથી. બંધારણમાં છેડછાડ કરી હેરાફેરી કરવામાં આવી છે. નાગરિકોને બંધારણમાં એક સમાન હક્કો આપ્યા છે, એટલે સીટીઝન એકટ છે. પછી તેમાં સુધારો કરવાની કોઈ જરૂર રહેતી નથી. છેડછાડ કરવાને કારણે લઘુમતી સમાજમાં અસંતોષ પેદા થયો છે. તેઓ અસુરક્ષિત હોવાની ભાવના અનુભવે છે. જે કારણે દેશમાં સતત વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. લોકતંત્રમાં લોકોના મનની ભાવનાનું આદર થવું જોઈએ.
બાબાસાહેબ આંબેડકરના પૌત્રએ બંધારણ અંગે કરેલા આક્ષેપ સંદર્ભે ગુજરાતના રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ સરકારે કાયદાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. આદિવાસી સમાજ માટે ચૂંટણીમાં દસ વર્ષની જે રોટેશન પ્રથા હતી તેને લંબાવી છે. ગુજરાતમાં સવર્ણોને પણ આરક્ષણ આપ્યું છે. કાશ્મીરમાં 370ની કલમ હટાવી છે. તીન તલાક કાયદો નાબૂદ કર્યો છે. દિલ્હીમાં 45 લાખ લોકોની ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરી છે. તેમણે કોઈ ભૂલ નથી કરી, પરંતુ સુવિધાઓ આપી છે. CAAમાં પણ કંઈ ખોટું નથી દરેકને નાગરિકતા મળવી જોઈએ, એ મુજબ આ કાયદો બનાવ્યો છે. આ કાયદાના આધારે સુધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા સંવિધાન બચાવો જનજાગૃતિ રેલીમાં ભીમરાવ યશવંતરાવ આંબેડકર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી.