ઉમરગામ : સામાન્ય રીતે શાળાનું નવું સત્ર જૂન મહિનાથી શરૂ થતું હોય છે. તેથી પહેલી જૂન એક સામાન્ય તારીખ ગણાય છે. પહેલાં જ્યારે શાળામાં પોતાના બાળકને દાખલ કરવા વાલી આવે ત્યારે જન્મ તારીખ ખબર ન હોય તેવું બનતું. ત્યારે આવા બાળકો માટે શાળાનાં આચાર્ય એક તારીખ એટલે કે 1 જૂન નક્કી રાખતાં. આજે પણ જો ખબર ન હોય તો આ જ તારીખ આપવામા આવે છે. આવી જ તારીખને કારણે મોટાભાગના રાજકીય આગેવાનોનો જન્મ દિવસ 1લી જૂને ઉજવવામાં આવે છે. જેમા ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પટકરનો પણ 1લી જૂને જન્મ દિવસ ઉજવાય છે. જેમાં ધારાસભ્ય દર વર્ષે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર અને અન્નદાન કરે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારી અને વાવાઝોડાની દહેશતને લઈને પાટકરે પોતાના જન્મ દિવસની ઉજવણી રદ્દ કરી હતી.
આ તકે પાટકરે જણાવ્યું હતું કે દર વર્ષે તેમના જન્મ દિવસે તેમના ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળામાં ગરીબ પરિવારના બાળકોને દત્તક લેવામાં આવે છે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું રામકથા, સમુહલગ્નનું આયોજન થાય છે. આ વખતે આ તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. તેમ છતાં સામાજિક અગ્રણીઓ, પક્ષના કાર્યકરો, હોદ્દેદારો, વેપારીઓએ તેમના નિવાસસ્થાને આવી તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. પાટકરે આ પ્રસંગે 1977થી રાજકારણમાં સતત વિજય બનાવનાર મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી જીવન રહેશે ત્યાં સુધી પ્રજાલક્ષી કામગીરી કરતા રહેવાની, તમામને મદદરૂપ થતા રહેવાની નેમ વ્યક્ત કરી હતી.
![રાજ્યપ્રધાનને જન્મદિનની શુભેચ્છા પાઠવતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-happy-birthday-patkar-pkg-gj10020_01062020224511_0106f_1591031711_959.jpg)
![રાજ્યપ્રધાન પાટકરે જન્મ દિવસની ઉજવણી રદ્દ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-happy-birthday-patkar-pkg-gj10020_01062020224511_0106f_1591031711_955.jpg)