વલસાડ : વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં સમગ્ર ભારતભરમાં જ્યાં એક તરફ lockdownનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના 2015ના નિયમ નંબર 9ને અનુલક્ષી તેની જોગવાઈ મુજબ આ બાળકોને મળવાપાત્ર અનાજનો જથ્થો હાલમાં વહેંચાવામાં આવી રહ્યો છે.
આ તમામ જથ્થો જે તે ગામની સરકારી અનાજની દુકાનોમાંથી વહેંચણી કરવામાં આવે છે, જે પૈકી કપરાડા તાલુકામાં ૫૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને આ અનાજ પહોંચતું થયું હોવાનું મામલતદાર કચેરી દાવો કરી રહી છે.
મહત્વનું છે કે, મધ્યાન ભોજન યોજના અંતર્ગત ધોરણ ૧થી ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ ૧૧ દિવસ માટે ૫૦ ગ્રામ ચોખા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કપરાડા તાલુકામાં 1થી 5 ધોરણમાં અભ્યાસ કરતા 27,313 જેટલા નોંધાયેલા છે. જેમણે વિદ્યાર્થી દીઠ ૧૧ દિવસનું 550 ગ્રામ ચોખા આપવાના થાય છે. જ્યારે ધોરણ-૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ એક દિવસનું 75 ગ્રામ જેટલા ઘઉં અને ચોખા આપવાના થતા હોય છે. કપરાડા તાલુકામાં ધોરણ-૬થી ૮માં અભ્યાસ કરતાં 13959 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમને 11 દિવસનું અનાજ એટલે કે વિદ્યાર્થી દીઠ 825 ગ્રામ જેટલું અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
હાલમાં કપરાડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા 88770 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ તમામ વિદ્યાર્થીઓને હાલમાં જે તે ગામની સસ્તા અનાજની દુકાનમાંથી આ અનાજનો પુરવઠો આપવાની કામગીરી ચાલી રહી છે. જે પૈકી ૫૦ ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું કપરાડા મામલતદાર કચેરી દ્વારા જાણવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે, સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે લૉકડાઉન દરમ્યાન મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા છે, એવા તમામ વિદ્યાર્થીઓને ભોજનના બદલે અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા જથ્થા મુજબ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને 50 ગ્રામ એક દિવસ માટે અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ પૈકી 75 ગ્રામ જેટલું ચોખા અને ઘઉંનો જથ્થો એક દિવસ માટે આપવાનો હોય છે.
આમ બંને પ્રકારના વિદ્યાર્થીઓને 11 દિવસનો અનાજનો જથ્થો પૂરો પાડવાનો હોય છે, જે અંગેની કામગીરી હાલ જોરશોરથી કપરાડા તાલુકામાં ચાલી રહી છે.