20 ફેબ્રુઆરીએ દિવસે સરકારી ઇજનેરી કોલેજ, વલસાડ ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, કેસીજી, અમદાવાદ અને દક્ષિણ ગુજરાત ઝોન -4, વલસાડ નોડનાં સંયુકત ઉપક્રમે “મેગા પ્લેસમેન્ટ કેમ્પ-2020”નું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યકક્ષાના પ્રધાન રમણભાઈ પાટકર, વન અને આદિજાતી વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ઉદ્ઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો.
આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ જીલ્લા કલેક્ટર સી. આર. ખરસાણ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની સમગ્ર રૂપરેખા અને આયોજન દક્ષિણ ગુજરાત, ઝોન-૪ના નોડલ અધિકારી તથા સરકારી ઇજનેરી કોલેજ, વલસાડના આચાર્ય ડો. વી. એસ. પુરાણી તથા વલસાડ નોડના નોડલ અધિકારી તથા એન. એચ. શાહ કોમર્સ કોલેજ, વલસાડના આચાર્ય ડો. દક્ષાબેન ઠાકોરના માર્ગદર્શના હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે પ્રધાન રમણભાઈ પાટકરે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, "ગુજરાત રાજ્ય રોજગારીની તકો પૂરી પાડવામાં અગ્રેસર છે અને આવેલી કંપનીઓને બિરદાવી હતી. માનનીય સાંસદ ડૉ. કે. સી. પટેલે પોતાના વક્તવ્યમાં સ્થાનિક કંપનીઓમા સ્થાનિક ઉમેદવારોને રોજગારી મળે એ બાબત પર ભાર મૂક્યો હતો."
વલસાડ જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણે પણ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીને ઉચ્ચ શિક્ષણ મેળવવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃત રહીને મહેનત કરી ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે “મેગા પ્લેસમેન્ટ કેમ્પ-2020”ની માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ઝોનલ ઓફિસર તથા સરકારી ઇજનેરી કોલેજ, વલસાડના આચાર્ય ડૉ. વી. એસ. પુરાણીએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અંગે સરકાર તરફથી થઈ રહેલા અનેક પ્રયત્નો અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી તે માટે તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બપોરે 2 વાગ્યા સુધી માં 55 કંપનીઓ અને 1339 ઉમેદવારો જોબફેર માટે નોંધાયા હતા અને સાંજ સુધી રાજીસ્ટ્રેશન વધવાની શક્યતા હતી.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર મુખ્ય કમ્પનીઓમાં ICICI, HDFC, બજાજ એલિઆન્સ, આરતી ઈન્ડસ્ટ્રી, ડેમોશા કેમિકલ્સ, LIC ઈન્ડિયા, ટ્વીકલ એજન્સી, મંગલમ ફાર્મા, સીડમક ઈન્ડિયા લેબોરેટરીસ, મેકર પોલિફિલ્સ પ્રા લી. અને અન્યનો સમાવેશ થાય છે.
આમ, આ મેગા જોબ ફેરના આયોજનથી વિદ્યાર્થીઓને એક જ સ્થળેથી પોતાની રુચી અને કૌશલ્ય અનુસારની કારકિર્દી ઘડવા માટે ભવ્ય તક મળેલ હતી. તો કંપનીઓને એક જ સ્થળેથી એજનીરી, ડિપ્લોમા, સાયન્સ કોમર્સ, આર્ટસ, કાયદા વગેરે વિદ્યશાખાઓમા કુશળતા સભર વિદ્યાર્થી સમૂહ ઉપલબ્ધ થયો હતો.