- નારગોલ મરીન પોલીસ મથકમાં એક શખ્સે આત્મહત્યા કરી
- ચોરીમાં પકડાયેલા 2 શખ્સો પૈકી એકે બાથરૂમમાં કરી આત્મહત્યા
- જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે
વલસાડ: જિલ્લાના નારગોલ મરીન પોલીસ મથક (Marine Police Station) માં કસ્ટોડિયલ ડેથ (Custodial Death) ના મામલે ચોંકાવનારી ઘટના બનતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ચીખલીની ઘટનાની શ્યાહી સુકાઈ નથી, ત્યાં જ ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથકના બાથરૂમમાં એક વ્યક્તિએ આત્મહત્યા (Suicide) કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સરોન્ડામાં પોલીસને જોઈને 8 જેટલા શખ્સો ભાગ્યા
આ ઘટના અંગે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ બુધવારે રાત્રે સરોન્ડા ગામમાં 8 જેટલા શખ્સો ચોરી કરવાના ઇરાદે આવ્યાં હતાં. જે દરમિયાન રાત્રે 3 વાગ્યા આસપાસ અંધારા આ શખ્સો એક ગાડીમાંથી પેટ્રોલિંગમાં ફરતી પોલીસને જોઇ ભાગ્યા હતા. જેઓને ભાગતા જોઈ LCB અને નારગોલ મરીન પોલીસે તેઓનો પીછો કર્યો હતો. જેમા બે વ્યક્તિઓને પકડી પાડી નારગોલ મરીન પોલીસ મથકે લાવ્યા હતા. જે બાદ એક વ્યક્તિને લઈ પોલીસ અન્ય ભાગેલા શખ્સોને પકડવા ગઈ હતી. તે દરમિયાન નારગોલ મરીન પોલીસમાં બેસેલા બીજા શખ્સો બાથરૂમ જવાનું કહી બાથરૂમમા પોતાના કપડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: ચીખલી પોલીસના PI સહિત 4 પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધાયો, 2 આરોપીએ પોલીસ સ્ટેશનમાં કરી હતી આત્મહત્યા
પોલીસ મથકના બાથરૂમમાં જ આત્મહત્યાની ઘટના
આ ઘટનાની જાણ પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મીને થતા તે દોડી ગયો હતો અને આત્મહત્યાની ઘટનાની જાણકારી અધિકારીઓને આપી હતી. પોલીસ મથકના બાથરૂમમાં જ આત્મહત્યાની ઘટના બનતા જિલ્લા પોલીસ વડા સહિત અન્ય અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસને જોઈ અંધારામા ભાગતા શખ્સોમાંથી બે લોકો પકડાયા બાદ હજી પૂછપરછ થાય તે પહેલા જ એક વ્યક્તિ પોલીસ મથકના બાથરૂમમાં જ આત્મહત્યા કરતા પોલીસ માટે આ ઘટના ગંભીર બેદરકારી સમાન છે.
આ પણ વાંચો: સુરતમાં આત્મહત્યા કરતી મહિલાનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
આત્મહત્યા કરનારા યુવકના ભાગેલા સાથીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન
હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા (District Police Chief) ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સાથે જ આત્મહત્યા કરનારા યુવકના ભાગેલા સાથીઓને શોધી કાઢવા માટે પણ પોલીસની અલગ અલગ ટીમ બનાવી આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું છે. સમગ્ર મામલે હાલ પોલીસે વધુ વિગતો આપવાનું ટાળ્યું છે અને આ મામલે જિલ્લા પોલીસવડા ગુરુવાર સાંજ સુધીમાં કે શુક્રવારે મીડિયાને વધુ વિગતો આપશે તેવી માહિતી પોલીસસુત્રો પાસેથી મળી છે.