વલસાડ શહેરના હનુમાન શેરીમાં દર વર્ષે વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવે છે. હનુમાન શેરી યુવક મંડળ દ્વારા દર વર્ષે સ્થાપિત કરવામાં આવતા વિઘ્નહર્તા દેવ ને સાથે વિવિધ થીમો રજૂ કરવામાં આવે છે. ત્યારે આ વરસે તેમના દ્વારા સરકાર દ્વારા હાલમાં જ મુકવામાં આવેલા મેક ઇન ઇન્ડિયાના થીમને અનુસરતા શણગાર કરવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયાના થીમમાં રજૂ કરવામાં આવેલા સિમ્બોલનો ઉપયોગ કરી માટીની મૂર્તિ બનાવાય છે. 8 ફૂટની મૂર્તિ હાલ સ્થાપિત કરી યુવક મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે.
હનુમાન શેરી યુવક મંડળ નું કહેવું છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ સ્કીમ લોકોને ઉપયોગી બને તેમજ તેની જાણકારી મળે એવા હેતુથી આ વર્ષે ગણેશ મહોત્સવમાં તેમના દ્વારા આ થીમ ઉપર શણગાર કરવામાં આવ્યો છે. તો સાથે સાથે લોકો ઇન્ડિયન બનાવટની વસ્તુ જ પોતાના વ્યવહારમાં ઉપયોગમાં લે તે અંગેની જાગૃતતા લાવવા તેમના દ્વારા આ થીમ રજૂ કરવામાં આવી છે. વલસાડ શહેરમાં નાના મોટા અનેક મંડળો દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક મંડળ દ્વારા વિવિધ થીમ ઉપર શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે મેક ઇન ઇન્ડિયાની થીમ રજૂ કરી હનુમાન શેરી યુવક મંડળ પોતાની એક આગવી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.