- બગવાડા હાઇવે પર ડુપ્લિકેટ ઇ-વે બિલ બનાવી દારૂની હેરાફેરી
- કન્ટેનરમાં લઇ જવાતો દારૂ પારડી પોલીસે ઝડપી પાડ્યો
- પોલીસે કન્ટેનર કબ્જે કરી તપાસ કરતા 23 લાખનો દારૂ મળી આવ્યો
વલસાડઃ બગવાડા હાઇવે પર ડુપ્લિકેટ ઈ-વે બિલ પર દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડુપ્લિકેટ ઈ-વે બિલની તપાસ દરમિયાન ઝડપાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પારડી પોલીસે વિદશી દારૂ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
GST વિભાગની ટીમે ચેકિંગ કરતા સત્ય બહાર આવ્યું
બગવાડા નેશનલ હાઇવે પર GST વિભાગની ટીમ ચેકિંગમાં હતી, એ દરમિયાન તેમણે વી-ટ્રાન્સ લખેલી MH-04-JK-0566 નંબરના કન્ટેનરને અટકાવી, જેમાં ભરેલા સામાન અંગે બિલના પુરવાની તપાસ કરી હતી.
કન્ટેનર ચલાક ઇ-વે બિલના કાગળો આપી લઘુશંકાને બહાને ભાગી ગયો
આ દરમિયાન આ કન્ટેનરનો ચાલક GST ટીમને જરૂરી કાગળો અને બિલો આપી લઘુશંકાના બહાને ભાગી નીકળ્યો હતો અને તપાસ દરમિયાન ઇ-વે બિલ પણ ડુપ્લિકેટ જણાયું હતું.
કન્ટેનરમાં તપાસ કરતા ઇ-વે બિલમાં દર્શાવેલા જથ્થાને સ્થાને વિદેશી દારૂ મળી આવ્યો
અટકાવેલા કન્ટેનરની તપાસ લેતા GST વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. આ કન્ટેનરમાં ભરેલા સામાનના E-Way બિલમાં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં, પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો મળી આવ્યો હતો.
પારડી પોલીસને જાણ કરવામાં આવી
આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી PSI બી.એન ગોહિલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ દારૂ ભરેલા કન્ટેનરને કબ્જે કરવામાં આવ્યું હતું.
પોલીસે કન્ટેનર કબ્જે કરી તપાસ કરતા 23 લાખનો દારૂ મળી આવ્યો
આ કન્ટેનરમાંથી અંદાજે 23 લાખનો દારૂ હાથ લાગ્યો હતો. પોલીસે 10 લાખનું કન્ટેનર અને દારૂ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ટ્રકમાંથી નકલી ઇ-વે બિલ કૌભાંડની સાથે ચતુરાઈપૂર્વક વિદેશી દારૂના હેરફેરી કરનારાઓને ઝડપી પાડવા પારડી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.