- વલસાડ પોલીસે 3 રીઢા ચોરની ધરપકડ કરી
- આરોપીઓએ ગુજરાત-મહારાષ્ટ્રમાં 25થી વધુ ચોરી કરી
- રાજકોટ-મુંબઈ હાઇવે પર બંધ મકાનમાં ચોરી કરતા
વાપી: વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના ઉકેલવા માટે તપાસ કરતી LCB અને SOGની ટીમે મુંબઈથી 3 રીઢા ચોરની ધરપકડ કરી જિલ્લાના 8 ઘરફોડ ચોરીના ગુના સહિત 25થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
3 રીઢા ચોરને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી
આ અંગે વાપી ડિવિઝનના DySP વીરભદ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લા LCB અને SOGને વલસાડ જિલ્લાના વાપી સહિતના વિસ્તારોમાં બનેલા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના શોધી કાઢવા આદેશ આપ્યો હતો. જેમાં બાતમી આધારે પોલીસની ટીમે મુંબઈથી 3 રીઢા ચોરને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:બે રીઢા ચોરોને ઝડપી પાડી લાખોનો મુદ્દમાલ કર્યો જપ્ત, ચોરોની 50 જેટલી ચોરીમાં છે સંડોવણી
વાપી DySPએ ચોર ગેંગ અંગે વિગતો આપી
પોલીસે જે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તે અંગે DySP જાડેજાએ જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓમાં એક કૃણાલ થાનકી પોરબંદરનો વતની છે. બીજો રોની જોસેફ ફર્નાન્ડિઝ ઉર્ફે સાહિલ ખાન ગોવાનો વતની છે. ત્રીજો સલીમ અલી ઉર્ફે અયાન અસગર અલી અન્સારી યુપીનો રહેવાસી છે. આ ચોર ત્રિપુટી રાજકોટથી મુંબઈ વચ્ચે હાઇવે પર પોતાના વાહનમાં નીકળતા હતા અને રસ્તામાં જ્યાં બંધ ઘર કે રો-હાઉસ જોવા મળે તેના તાળા તોડી ઘરમાં રાખેલી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પરત મુંબઈમાં પોતાના રહેઠાણ પર જઈ છુપાઈ જતા હતાં.
પોલીસે મુંબઈથી આરોપીઓને દબોચી લીધા
પોલીસે ત્રણેય આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા બાદ તેમની પાસેથી 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને સુપ્રત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વલસાડ જિલ્લા સહિત સેલવાસની 8 ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે. એ ઉપરાંત આરોપીઓએ રાજકોટ, ચોટીલા, લીંબડી સહિત મહારાષ્ટ્રના નાસિક, મુંબઈ સહિતના સ્થળોએ કુલ 25થી વધુ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
આ પણ વાંચો: ધાનેરામાં બે દિવસ અગાઉ થયેલી ચોરીના મામલે 2ની અટકાયત કરાઈ
એક 25 ચોરીમાં તો બીજો 13 ચોરીના ગુનામાં શામેલ છે
પકડાયેલ ત્રણેય આરોપીઓ રીઢા ચોર છે. જેઓ દિવસના સમયે તાળા તોડવાના સાધનો સાથે પોતાના વાહનમાં હાઇવે પર નીકળતા હતાં. બંધ મકાનમાં ચોરી કરતા હતાં. પકડાયેલ ઇસમોમાંથી રોની જોસેફ ફર્નાન્ડિઝ ઉર્ફે સાહિલ ખાન ઉર્ફે સાહિલ તાજુદ્દીન ખાન ઉર્ફે અલ્તાફના નામે મહારાષ્ટ્રમાં 25થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. એ જ રીતે પોરબંદરનો કૃણાલ થાનકી 13 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.