વલસાડ : જિલ્લામાં હાલ કેરીની સીઝન ચાલી રહી છે. જેને લઇને કેરીના વેપારીઓએ પોતાની દુકાનો શરૂ કરી છે. ખેડૂતો પાસે કેરી લેવી અને વેપારીઓને કેરી વેચવી આ માટે તેઓ દ્વારા એક નક્કી કરેલા સ્થળે માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે જે પૈકી ધરમપુરના માલનપાડા ખાતે હેલીપેડ નજીક શરૂ કરવામાં આવેલું માર્કેટમાં જાણે કોરોના પ્રુફ માર્કેટ હોય તેવુ અહીંયા કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સનુંં પાલન કરવામાં આવતું નથી. આ સાથે જ કોઇપણ વેપારી પાસે ન તો સેનીટાઈઝર છે કે ન તો કોઈ મજૂર અહીં કે આવનારા વેપારી પાસે કોઈપણ માસ્ક પહેરેલા જોવા મળે છે. અને સોશિયલ ડિસ્ટન્સ તો માત્ર કાગળ ઉપર જ શોભી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે.
મહત્વનું છે કે આ કેરી માર્કેટમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી અનેક વેપારીઓ અહીં કેરી લેવા માટે આવી રહ્યા છે. જોકે આ તમામ જગ્યાઓ ઉપર કોરોનાના કેસ બહોળી સંખ્યામાં નોંધાયા છે. જેથી જિલ્લામાં પણ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી માર્કેટમાં નિયમોનું કાયદેસર પાલન કરવા માટે જણાવ્યું છે, પરંતુ અહીં તો જાણે આખું માર્કેટ કોરોના પ્રુફ હોય તેમ લોકોને કંઈ પડી જ નથી. અહીં આગળ જો માત્ર એક જ કેસ કોઈના સંપર્કમાં આવે તો ધરમપુર કેરી માર્કેટ વલસાડ જિલ્લા માટે કોરોનાનું મોટામાં મોટું રેડ ઝોન સાબિત થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, પરંતુ આ તરફ ધ્યાન આપે કોણ?
નોંધનીય છે કે ધરમપુર વિસ્તારમાં ચાલતી કેરી માર્કેટમાં રોજિંદા અનેક ખેડૂતો, વેપારીઓ અને મજૂર વર્ગ બહોળી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. જેમાં કોઈપણ ગાઇડલાઇન વિના ધમધમતા આ વિસ્તારમાં કોરોના સંક્રમિત થવાની શકયતા ખૂબ જ વધી જાય છે. શું કલેકટર આ સમગ્ર બાબતે ધ્યાન આપી નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો અને વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? તે જોવાનું રહ્યું છે.