ઉમરગામ નગરપાલિકાએ વલસાડ કલેકટરના આદેશ બાદ બે ટીમ બનાવી પાલિકા વિસ્તારમાં ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 3 ટ્યુશન કલાસીસ, 11 શૈક્ષણિક સંસ્થાઓ, 4 હોટેલ રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, 18 હાઇરાઈઝ રહેણાંક ઇમારતો મળી કુલ 38 મિલકતોના મિલકત ધારકોને નોટિસ બજાવી છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર નિલ અણઘણે જણાવ્યું હતું કે, તેમણે આ તમામ લોકોને આગામી દિવસોમાં ફાયરના સાધનો વસાવી લેવા તાકીદ કરી છે અને તે બાદ જો આ અંગે સુચનાનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આ તમામ 38 સ્થાનો પર ફાયર સેફટીના સાધનો પ્રત્યે તદ્દન બેદરકારી દાખવવામાં આવી હતી.
જ્યારે, ચીફ ઓફિસર નિલ અણઘણને નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે પૂછવામાં આવતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલિકામાં હાલ માત્ર ફાયર એક્સ્ટિન્ગ્યુશર સિવાય અન્ય કોઈ સુવિધા નથી જે માટે આગામી દિવસોમાં ફાયર બોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉમરગામ નગરપાલિકાએ પાઠવેલ નોટિસોમાં પ્રતીક કલાસીસ, જય સીવણ કલાસીસ, શિવમ કમ્પ્યુટર કલાસીસ સહિત 11 શાળાઓ જેમાં સરકારી અને પ્રાઇવેટ શાળાઓનો સમાવેશ થાય છે. મમતા હોસ્પિટલ, રુદ્ર હોસ્પિટલ, હોટેલમાં ઉમરગામ કલબ, આર. જી. લેન્ડમાર્ક, નિત્યાનંદ અને સુપ્રીમ હોટેલ, રહેણાંક વિસ્તારમાં 18 એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્ષને નોટિસ પાઠવવામાં આવી છે.