શનિવારના રોજ ધરમપુર ખાતે વન અને આદિજાતિ કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ધરમપુરની મુલાકાતે હતા, ધરમપુરના બામટી ખાતે નવનિર્મિત અંદાજીત 11 કરોડની ગ્રાન્ટમાંથી બનેલા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળા કુમાર છાત્રાલયના નવા બિલ્ડિંગમાં તેમણે શ્રીફળ વધેરી રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સતત ચિંતિત છે. તે માટે ગુજરાત સરકારે આગામી દિવસમાં સમગ્ર રાજ્યમાં પાંચ જેટલી એકલવ્ય શાળા બજેટમાં મંજૂર કરી છે. આમ આદિજાતિ વિકાસ વિભાગ પાસે 850 જેટલી સંસ્થાઓ કાર્યરત છે અને તેમાં સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી ત્યાં જ અભ્યાસ કરી શકે છે.
કેબિનેટ પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા નવા બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને રહેવા માટે કુલ 66 જેટલા રુમો બનાવવામાં આવ્યા છે, જેમાં વિઝિટર રૂમ, ઇન્ડોર ગેમ રૂમ, કોમ્પ્યુટર રૂમ, ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, સહિત વિવિધ સુવિધાઓ અને હવા-ઉજાસવાળા રૂમો બનાવવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને અહી રહેવા માટેની સાનુકૂળતા રહે.
નોંધનીય છે કે, ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકો શિક્ષણથી વંચિત રહે તે માટે સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થા તેઓના માટે એક આશીર્વાદ સમાન બની રહે છે. આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે વલસાડ જિલ્લા કલેકટર સી આર ખરસાણ વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલ ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.