- જન્મોત્સવ સાથે VHPના સ્થાપના દિનની ઉજવણી
- મટકી ફોડ, શોભાયાત્રા પર પાબંધી હોય ભજન સંધ્યાનું આયોજન કર્યું
- જિલ્લામાં અલગ અલગ 150 સ્થળોએ કરી ઉજવણી
વલસાડ: જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે જ 1964માં VHP (વિશ્વ હિંદુ પરિષદ)ની સ્થાપના થઇ હતી. જેને ઉપલક્ષ્યમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વના દિવસે દેશભરમાં VHP ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે હાલના કોરોના મહામારીની ગાઈડલાઈનને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં VHP એ ભજન સંધ્યા અને સુંદરકાંડ, રંગોળી સ્પર્ધા જેવા આયોજન કરી રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
સ્થાપના દિવસ અને જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાભેર ઉજવણી
વર્ષ 1964માં જન્માષ્ટમી પર્વના શુભ દીને સાંદિપની આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની સ્થાપના કરવામાં આવી હતી. જે અંતર્ગત દર વર્ષે જન્માષ્ટમીના દિવસે VHP, બજરંગ દલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સ્થાપના દિવસ અને જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાભેર ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી
ભજન સંધ્યા, સુંદરકાંડ, રંગોળી સ્પર્ધાનું આયોજન
VHPના સ્થાપના દિવસને ધ્યાને રાખી સમગ્ર વલસાડ જિલ્લામાં 150 જેટલા સ્થળો પર સ્થાપના દિવસની ઉજવણી નિમિતે રંગોળી સ્પર્ધા, સુંદર કાંડ, ભજન સંધ્યા અને કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાપીમાં ખડકલા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર અને ડુંગરા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી શોભાયાત્રા, મટકી ફોડ કાર્યક્રમ રદ્દ કર્યા
વાપીમાં સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આ વર્ષે કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી શોભાયાત્રા, મટકી ફોડ જેવા કાર્યક્રમો રદ્દ કર્યા હતા, જ્યારે મંદિરમાં ભજન સંધ્યા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્વામિનારાયણ સંતોના આશીર્વાદ લઈ ભજન સંધ્યા શરૂ કર્યા બાદ રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.