- વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે કર્યું આહ્વાન
- કપરાડા પોલીસે ગરીબ બાળકોને વહેંચી મીઠાઈ
- પોલીસે બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી
વલસાડઃ દિવાળીના તહેવાર નિમિત્તે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના વિવિધ ગામોમાં આજે પણ કેટલાંક કુટુંબો આર્થિક રીતે પગભર નથી. જેથી આવા કુટુંબો માટે દિવાળી જેવો તહેવાર મીઠાઈ વિના ખૂબ અધૂરો છે. આવા પરિવારોને મોંઘેરી મીઠાઈ જોવા સુધ્ધાં પણ મળતી નથી, ત્યારે કપરાડા પોલીસે આ પરિવારના બાળકોને મીઠાઈ ખવડાવી દિવાળીની ઉજવણી કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષકે કર્યું હતું આહ્વાન
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અમલદારોને ગરીબો સાથે દિવાળી મનાવવાનું આહ્વાન કર્યું હતું. જે પૈકી કપરાડા પોલીસ સ્ટેશનના અમલદાર ભાદરકા અને તેમની ટીમ દ્વારા કપરાડા વિસ્તારના ખૂબ અંતરિયાળ એવા કોતલ ગામમાં આદિવાસી પરિવારના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી અને તેમને મીઠાઈઓ વહેંચીને બાળકોની ખૂશીમાં વધારો કર્યો હતો.
બાળકોના મુખે મીઠાઈ મળ્યા બાદ અનેરું સ્મિત
આદિવાસી વિસ્તારમાં બાળકોને મિઠાઈના પેકેટ વહેંચ્યા બાદ તેમના મુખે એક અલગ જ પ્રકારનો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. આમ કોરોનાના કાળ વચ્ચે આવેલી દિવાળીમાં કપરાડા પોલીસ દ્વારા બાળકો સાથે ઉજવણી કરી અન્ય સમક્ષ એક અનોખો દાખલો બેસાડ્યો છે.