ધરમપુરના બીલપુડીનો જોડિયા ધોધ પર્યટકો માટે બંધ
ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણ રોકવા કરી પહેલ
દરેક માર્ગ પર ગ્રામ પંચાયત દ્વારા જાહેર ચેતવણી બોર્ડ મૂકાયા
વલસાડ: ધરમપુર તાલુકાના બીલપુડી ગામે ચોમાસુ શરૂ થતાં જ અહીં આવેલો જોડિયા ધોધ પાણીના પ્રવાહથી સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને જોવા સુરત, નવસારી, વાપી, દમણ, સેલવાસ અનેક જગ્યાએથી મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે.
જો કે, વખતે કોરોના જેવી મહામારી હોવાથી સુરત, નવસારી જેવા શહેરોમાંથી આવતા લોકોને કારણે સંક્રમણ ન વધે એવા ઉમદા હેતુથી ખુદ બીલપુડી ગ્રામ પંચાયતે જ નિર્ણય કરી બહારથી આવતા પર્યટકો માટે જોડિયા ધોધ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે જાહેર ચેતવણીના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યાં છે. જેથી કોઈ પણ ગામના લોકો બીલપુડીમાં જોડિયા ધોધ સુધી જઈ શકે નહીં. હાલ થોડા દિવસ અગાઉ જ વિલ્સન હીલ ઉપર જવા માટે પણ કલેકટર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલ દ્વારા થોડા દિવસ પહેલા જ વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ જાહેર સ્થળો તિથલ, ઉમરગામ તેમજ વિલ્સન હીલ સહિતના જોવાલાયક સ્થળો કે, જ્યાં બહારથી આવતા પર્યટકોને કારણે સંક્રમણ વધી શકે એવા ક્ષેત્ર ઉપર પ્રતિબંધનો આદેશ કર્યો છે. જેથી કોવિડ જેવી ગંભીર બીમારીથી બચી શકાય ત્યારે ધરમપુર બીલપુડી ગ્રામ પંચાયત દ્વારા પણ સંક્રમણ રોકવા માટે કરવામાં આવેલી પહેલને લોકો આવકારી રહ્યાં છે.