વલસાડ: 181 કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા જીતુ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ કપરાડા બેઠકના ઉમેદવાર તરીકે સત્તાવાર જાહેરાત કરી છે.
ગુજરાતના રાજકારણમાં સરપંચ પદથી કોંગ્રેસમાં પગલું ભરનારા અને 4 ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાતા આવેલા અને ચોથી ટર્મમાં કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે અઢીવર્ષ બાદ રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા જીતુ ચૌધરીનું નામ કપરાડા બેઠક માટે ભાજપે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે.
જીતુ ચૌધરીએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે કામ કરતા હતા ત્યારે વિપક્ષના નેજા હેઠળ તેઓને કોઈ પણ વિકાસ કામો મળી શકતા નહતા. જેથી આંતરિક વિખવાદને કારણે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે અને ઉમેદવાર તરીકે પાર્ટીએ તેમની પસંદગી કરી છે.
હવે તેઓ આગામી દિવસોમાં કપરાડાના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપશે અને વિકાસના મુદ્દાને લઈને તેઓ આગામી દિવસમાં ચૂંટણી લડશે.