- વાપીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
- તૌકતે વાવાઝોડાને લઈને ભારે પવન ફૂંકાયો
- પવન સાથે વરસાદ વરસતા લોકોમાં ગભરાટ
વલસાડ: જિલ્લાના વાપીમાં રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે 5:30 વાગ્યા આસપાસ આવેલા પલટામાં ભારે પવન ફૂંકાયો હતો. રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડયા બાદ અચાનક વરસાદ પણ વરસ્યો હતો. જેને લઈને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે, સમગ્ર વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ ઘરમાં ભારે બફારા સાથે ગભરાટનો અનુભવ કર્યો હતો.
ઝાડની ડાળીઓ તૂટી અને છાપરા ઉડ્યા
વાપીમાં રવિવારે તૌકતે વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે વાપી સહિતના વિસ્તારમાં સાંજના 5:30 વાગ્યા આસપાસ ભારે પવન ફૂંકાયો હતો. પવનને કારણે કેટલાક વિસ્તારમાં ઝાડની ડાળીઓ તૂટવાના અને છાપરા ઉડવાના બનાવો બન્યા હતાં.
રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી
ભારે પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. ઘર બહાર નીકળેલા લોકોમાં ગભરાટ ફેલાતા ભાગદોડ મચી હતી. ત્યારે, ભારે પવન સાથે અચાનક જ વરસાદ પણ વરસ્યો હતો. જેને લઈને રસ્તાઓ ભીના થયા હતાં. આથી લોકોનું માનવું છે કે, વાતાવરણમાં આવેલો પલટો તૌકતે વાવાઝોડાને લઈને આવ્યો છે.
આ પણ વાંચો: તૌકતેથી ચેતજો: વાવાઝોડા સામે આ રીતે લઇ શકાશે તકેદારી પગલાં
વાવાઝોડા પહેલા જ વાપીમાં વરસાદ અને ભારે પવન
વાવાઝોડું હજુ વલસાડના દરિયા કિનારેથી ખૂબ જ દૂર છે તે પહેલાં જ ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોમાં વાવાઝોડું આવશે ત્યારે કેવી મુસીબત ઉભી થશે તેની દહેશત વ્યાપી રહી છે. ગાજવીજ સાથેના વરસાદ અને ભારે પવનને કારણે સમગ્ર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થતા લોકોએ પોતાના ઘરોમાં બફારાનો અનુભવ કર્યો હતો.