જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને ડાંગના સંયુક્ત ઉપક્રમે ઇન્સ્પાયર એવોર્ડ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ અને ડાંગ જિલ્લાની 95 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષાબેન કાપડિયા પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બીએમ રાઉત પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાંગ રીતુ ડુંગરિયા એન આઇ એફ ગાંધીનગર ઇકબાલ ઢાલાઇત વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકરણમાં વલસાડ જિલ્લાની 76 અને ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી 19 એમ કુલ 95 જેટલી ઇન્સ્પાયર એવોર્ડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક વિચાર આધારિત મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શની સાથે ઇન્ટરનેશનલ ઓફ પિરીયોડીક ટેબલની ઉજવણીના ભાગરૂપે ડૉ. ભદ્રેશ સુદાણી પ્રોફેસર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડનું modern periodic table of કેમિકલ એલિમેન્ટ વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું હતું.
આ પ્રદર્શન દરમ્યાન વલસાડ અને ડાંગની 95 વિદ્યાર્થી અને તેની સાથે 95 માર્ગદર્શક શિક્ષકો અને 2657 જેટલા મુલાકાતીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. નવસારી વલસાડ જિલ્લાની વિવિધ કોલેજના પ્રાધ્યાપકે નિર્ણાયક તરીકેની સેવા પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાંથી રાજ્યકક્ષાના પ્રદર્શનમાં કુલ 11 કૃતિની પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની મહત્વની ભૂમિકા રહી હતી.