- વાપીમાંં ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ
- વાપીમાં 300 ગરીબોને મફતમાં આપશે ભોજન
- રોજના બે ટાઈમ ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન આપશે
વાપીઃ શહેરમાં માં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુખ્યાને ભોજન આપવાની અનોખી સેવા શરૂ કરી છે. ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકારથી રોજના 300 ગરીબ લોકોને ફ્રીમાં બે સમયનું ભોજન પૂરું પાડવામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપીને ભોજન લેવા માંગશે તો તે માટે 1 રૂપિયા થી 5 રૂપિયા સુધીની નજીવી રકમ લઈ ભોજન આપશે. ટ્રસ્ટ દ્વારા કોઈ દાતા અહીં ગરીબોને ભોજન કરાવી તેના શુભ પ્રસંગોની ઉજવણી કરવા માટે આવશે તો તે સેવા પણ આપવામાં આવશે.
ભુખ્યાને ભોજન પુરુ પાડવાનું હતું સપનું
આ અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી રેખા ભંડારીએ વિગતો આપી હતી કે, ભુખ્યાને ભોજન કરાવવાનું અમારું વર્ષો જુનું સપનું હતું. જે અમે સાકાર કર્યું છે. આ ફ્રી ફૂડ સેવાની શરૂઆત કરી છે. જેમાં દરરોજ દાળભાત, શાક, રોટલી, ખીચડી-કઢીનું ભોજન ગરીબોને આપવામાં આવશે.
જન્મ દિવસ, તિથિ જેવા પ્રસંગે દાતાઓ ભોજન કરાવી શકશે
જ્યારે ટ્રસ્ટની આ સામાજિક પહેલ ખૂબ જ આગળ વધે તેવા અભિનંદન સાથે દમણના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, દરેકને ઘર જેવું અને માંના હાથનું સ્વાદિષ્ટ ખાવાનું મળે તેવી આશા હોય છે. આવી આશા જનમ ટ્રસ્ટ પુરી કરી રહ્યું છે. આ સાથે જ કોઈ પરિવાર અહીં તિથિ ભોજન, જન્મ દિવસની ઉજવણી જેવા શુભ પ્રસંગોમાં અહીંથી જ ભુખ્યાને ભોજન કરાવી શકે છે. ટ્રસ્ટની પહેલ ખૂબ સારી છે. આ ટ્રસ્ટને લોકોનો સહકાર ચોક્કસથી મળશે.
5 રૂપિયામાં ફૂડ પેકેટ્સ આપશે
ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ દ્વારા રોજના 300 લોકોને ભોજન પૂરું પાડવાનું આયોજન છે. કોઈ વ્યક્તિ ફ્રીમાં ભોજન નથી લેવા માંગતા તેવા લોકો પાસેથી 1 થી 5 રૂપિયા સુધીની રકમ લઈ ફૂડ પેકેટ્સ આપવામાં આવશે. જેનું નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને શહેરના આગેવાનોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી આગામી દિવસમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ કરવાનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે.