- ભારતીય સંસ્કૃતિ જ વિશ્વ રોગમુક્ત, વિશ્વ કલ્યાણની સંસ્કૃતિ છે
- આયુર્વેદમાં વર્ણવ્યા મુજબ આપણું શરીર અને બ્રહ્માંડ પાંચ તત્વોનું બનેલું છે
- એમાં વિક્ષેપ થાય તો અનેક રોગો માથું ઊંચકે છે: ડૉ. મીનાક્ષી શેઠ
- કોરોના મહામારી પણ આવા જ છેડછાડનું પરિણામ છે
વલસાડ: વાપીમાં 30 વર્ષથી આયુર્વેદ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ડૉ. મીનાક્ષી શેઠે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ જ વિશ્વ રોગમુક્ત, વિશ્વ કલ્યાણની સંસ્કૃતિ છે. આયુર્વેદમાં વર્ણવ્યા મુજબ આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. આ જ પાંચ તત્વોનું બ્રહ્માંડ બનેલું છે, એટલે તેમની વચ્ચે સમતોલ જાળવવું અત્યંત જરૂરી છે. જો એમાં વિક્ષેપ થાય તો અનેક રોગો માથું ઊંચકે છે. હાલમાં કોરોના મહામારી પણ આવા જ છેડછાડનું પરિણામ છે.
આ પણ વાંચો: નવસારીમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અર્થે અમૃત આહાર મહોત્સવ યોજાયો
ઋતુ મુજબ મુજબ આહાર લેવો જોઈએ
મીનાક્ષી શેઠે વધુમાં જણાવ્યું હતું કે, દરેક મનુષ્યે હંમેશા પોતાના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. વિશ્વમાં જે તે દેશ-પ્રદેશને અનુકૂળ આબોહવા સાથે મનુષ્ય શરીર તાલમેલ સાધે છે, એટલે તે આબોહવા મુજબ ખાન-પાન, રહેણી-કરણી જ શરીરના DNAને અનુકૂળ આવે છે. આ માટે જ આયુર્વેદમાં કહેવાયું છે કે, દરેક જીવે ઋતુ મુજબ આહાર લેવો જોઈએ.
શરીરને તંદુરસ્ત રાખવા માટે ભારતીય ખોરાક ઉપયોગી છે
ડૉ. મીનાક્ષી શેઠનું માનવું છે કે, આયુર્વેદથી અનેક રોગો મટાડી શકાય છે. ઓપરેશન વિના રોગીઓને સાજા કરી શકાય છે. જોકે આજે ગ્લોબલ વર્લ્ડને કારણે લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ છે, પરંતુ તંદુરસ્ત શરીર માટે દરેકે ખાન-પાનમાં સાવચેતી રાખવી જોઈએ. આયુર્વેદમાં વર્ણવ્યા મુજબ રોજ ક્ષીણ થાય અને નવું બને તેનું નામ શરીર, એટલે શરીરને નિરોગી રાખવા માટે ભારતીય ખોરાક શરીરને અનેક રીતે ઉપયોગી છે.
આ પણ વાંચો: જામનગર: કોરોનાના દર્દીઓ માટે આ રસોડું છે આશીર્વાદરૂપ, દર્દીઓને મળી રહ્યો છે પૌષ્ટિક આહાર
ખોરાકરૂપી ઉપયોગી ઔષધિઓ શરીરમાં લોહીને પાતળું રાખે છે
અન્ય પશ્ચિમી પરંપરા મુજબ ખોરાક લેવા કરતા આપણી ખોરાકની પદ્ધતિને અનુસરવું જોઈએ. તજ, તેજાના, આદુ, હળદર, ઘી, આમળા, લીમડો, ગળો, તુલસી આ બધા શરીરને નિરોગી રાખનારી ઔષધિઓ છે. જેનું આયુર્વેદમાં મહત્વ વર્ણવવામાં આવ્યું છે. ભારત દેશ ઊંચુ તાપમાન ધરાવતો દેશ છે, એટલે ખોરાકમાં ઉપયોગી આ ઔષધિઓ શરીરમાં લોહીને પાતળું રાખે છે. સાથે જ દરેકે હંમેશા ખૂબ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તેનાથી કિડની સંબંધિત અનેક રોગો થતા અટકે છે.