વલસાડઃ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા ગામે એક પરિવારની દીકરીઓએ માતાનું અવસાન થતાં દીકરાની ફરજ અદા કરી માતાને અગ્નિદાહ આપ્યો હતો. આજે સ્ત્રી પણ પુરુષ સમોવડી થઈ છે. જેના આપણે અનેક પ્રત્યક્ષ ઉદાહરણો જોઇએ છીએ. એવું જ એક ઉદાહરણ બલીઠા ગામે એક વૃદ્ધા સ્વ. લક્ષ્મીબેન કિશનભાઈની દિકરીઓએ પૂરું પાડ્યું છે. લક્ષ્મીબેનના પરિવારમાં માત્ર ત્રણ દીકરીઓ છે અને આ ત્રણે દીકરીઓ તેમના માટે દીકરા સમાન હતી.
બુધવારે સ્વ. લક્ષ્મીબેનનું અવસાન થતાં તેમની દીકરી સરોજ અને સંગીતાએ અગ્નિદાહ આપ્યો હતો. સમાજમાં પહેલાના સમયમાં રૂઢિઓ ચાલતી આવતી હતી કે અમુક કામો માત્ર પુરુષો જ કરી શકે પરંતુ આજે એ માન્યતાઓ ખોટી ઠરી છે અને સ્ત્રીઓ પણ તમામ કામો શક્ય એટલું કરી શકે છે અને જેનું ઉદાહરણ આપણને અહીં જોવા મળી રહ્યું છે.