- વાપીમાં તહેવારને ધ્યાને રાખી ઉભા કરાયા સ્વાસ્થ્ય બુથ
- 8 સ્થળો પર સ્વાસ્થય બુથની કામગીરી
- જિલ્લાને કોરોના મુક્ત કરવાની પહેલ
વાપીઃ કોરોના મુક્ત જિલ્લા તરફ ગતિ કરી રહેલા વલસાડ જિલ્લામાં દિવાળી મહાપર્વમાં લોકોની વધતી ભીડથી સંક્રમણ ના ફેલાય તે માટે આરોગ્ય વિભાગે વાપીના મુખ્ય 8 સ્થળો પર સ્વાસ્થય વિભાગના સ્ટાફ સાથે એન્ટીજેન ટેસ્ટિંગ અને સ્ક્રિન ટેસ્ટિંગ માટે બુથ ઉભા કર્યા છે. જેમાં પ્રથમ દિવસે જ 300થી વધુ લોકોના એન્ટીજેન ટેસ્ટ અને સ્ક્રીનિગ કરાયું હતું.
તહેવારમાં જિલ્લાને કોરોનાથી મુક્ત કરવા તકેદારી
જિલ્લામાં હાલ કોરોના વાઈરસના માત્ર 12 જ કેસ એક્ટિવ છે, ત્યારે દિવાળીના તહેવારમાં લોકોની ભીડથી સંક્રમણ ના ફેલાય અને જિલ્લો કોરોના મુક્ત બને તે માટે સ્વાસ્થય વિભાગે તકેદારી હાથ ધરી છે. આ અંગે વાપી તાલુકાના સ્વાસ્થય વિભાગના અધિકારી ડો. મૌલિક પટેલે વિગતો આપી હતી કે, કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે વાપી દમણ ચેકપોસ્ટ, વાપી દાદરા નગર હવેલી ચેકપોસ્ટ ઉપરાંત ચલા, છીરી, નાની તંબાડી, ચણોદ કોલોની ગાર્ડન, GIDC ગાર્ડન, અંબા માતા સર્કેલ, વાપી ટાઉનમાં ઝંડા ચોક ખાતે સ્વાસ્થય ચકાસણી માટે બુથ ઉભા કરવામાં આવ્યાં છે.
બુથ પર એન્ટીજેન, સ્ક્રિનિંગ અને રેપિડ ટેસ્ટ કરવામાં આવે
જિલ્લામાં રાખવામાં આવેલા એન્ટીજેન ટેસ્ટિંગ અને સ્ક્રિન ટેસ્ટિંગ બુથ પર સ્વાસ્થય વિભાગનો સ્ટાફ તૈનાત કર્યો છે. જે શહેરીજનોને એન્ટીજેન ટેસ્ટ, સ્ક્રીનીંગ ટેસ્ટ, કોરોના રેપિડ ટેસ્ટ સહિત જરૂરી દવાઓનું વિતરણ કરી લોકોમાં કોરોના સંક્રમણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
પ્રથમ દિવસે 300 લોકોનું ચેકિંગ
સ્વાસ્થય વિભાગ દ્વારા પ્રથમ દિવસે જ 300 થી વધુ લોકોના એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત આવતા જતા તમામ લોકોનું સ્ક્રીનીંગ, રેપીડ ટેસ્ટ કરવા સાથે દવાઓનું વિતરણ કર્યું હતું. શહેરીજનોને તહેવાર દરમિયાન પૂરતી સાવચેતી રાખવા અને કોરોના વાઈરસથી બચવા માસ્ક, સેનેટાઇઝરનો અવશ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.