- GPCB ફટકાર્યો 1.25 કરોડનો દંડ
- વાઈટલને એક કરોડનો દંડ અને ક્લોઝર નોટિસ
- યોગેશ્વર કેમિકલને 25 લાખનો દંડ અને ક્લોઝર નોટિસ
વાપી : વાપી GIDC અને આસપાસના રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા અને જાહેરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારાઓ સામે GPCB એ લાલ આંખ કરી છે. જેમા વાઈટલ લેબોરેટરીઝ અને યોગેશ્વર કેમિકલ નામની કંપનીઓને ક્લોઝર નોટિસ અને દંડ ફટકારતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી આગના બનાવ ખૂબ જ વધી ગયા છે. તો સાથે સાથે કેટલીક કેમિકલ કંપની દ્વારા હવામા કેમિકલ છોડવાનો તથા કેમિકલ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરાતો હોવાની ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મળી હતી. જે અંગે GPCB એ તપાસ હાથ ધરી આવા એકમો સામે સખત પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી હતી.
પ્રદૂષણ ફેલાવવા મામલે કાર્યવાહી
આ ઘટના બાદ હવામા ભારે પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે તથા કંપની પરિસરમાં કંપની સંચાલક દ્વારા બેદરકારી રાખવાના મુદ્દે વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી ભૌતિક ગજ્જર અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. વડી કચેરી દ્વારા વાઇટલ લેબોરેટરીઝ કંપનીને એક કરોડ રૂપિયાનો દંડ તથા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.
વિજલાઈન, પાણીના કનેક્શન કટ
જ્યારે અન્ય એક કંપની યોગેશ્વર કેમિકલને પણ ક્લોઝર નોટિસ અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંને કંપનીમાં તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, પાણીનું કનેક્શન તથા અન્ય સુવિધાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પ્રદુષણ ફેલાવનારા ઉદ્યોગકારોમાં ફફડાટ
GPCB ની ઉદ્યોગો સામે પ્રદુષણ મામલે કરવામાં આવેલી કડક કાર્યવાહીથી વાપી ઉદ્યોગનગર વિસ્તારમાં ઉદ્યોગ ધરાવતા અને કેમિકલ વેસ્ટ તથા જાહેરમાં પ્રદૂષણ ફેલાવનાર અન્ય ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.