- બાળકીને થયેલી ઈજાને લઈ પારડી પોલીસ અને SP સંવેદનશીલ
- ખાનગી તબીબો પાસે બાળકીની સારવાર કરાવવામાં આવી
- બાળકીના વાલી વારસોને શોધવા ટીમ બનાવી શોધખોળ શરૂ
- દમણના રિક્ષાચાલકે માનવતા બતાવી બાળકીને દમણ પોલીસને સોંપી
વલસાડઃ દમણ ખારા વાડમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાતન ચલાવતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા રાજા શેખ નામનો રિક્ષાચાલક રવિવાર સામાજિક કામ અર્થે તેમના ફળિયામાં રહેતી કેટલીક મહિલાઓને લઈ અતુલ ગયો હતો. જ્યાંથી મોડી સાંજે દમણ પરત ફરતી વખતે નેશનલ હાઈવે પર એક નાની ઈજાગ્રસ્ત બાળકીને રડતા જોતા તેેને રિક્ષા ઊભી રાખી. બાળકીના પરિવારજનો બાબતે આજુબાજુ પૂછપરછ કરી હતી, પરંતુ બાળકીને કોઈ ઓળખતું ન હોવાથી અને બાળકી પોતાની ઓળખ આપી ન શકતા રાજાએ બાળકીને હાઈવે પર પર અંધારામાં એકલી છોડવાના બદલે પોતાના ઘરે લઈ જઈ સ્વખર્ચે બાળકીની સારવાર કરાવી આપી. ઘણી પૂછપરછ છતાં બાળકી કશું ન બોલતા છેવટે રિક્ષાચાલકે બાળકીને દમણ પોલીસને હવાલે કરી સમગ્ર હકીકત જણાવી હતી. બાળકી પારડી પોલીસ મથક હદ વિસ્તારમાંથી મળી આવતા દમણ પોલીસે પારડી પોલીસનો સંપર્ક કરી બાળકીને સોંપી હતી.
કોમળ હૃદય અને સંવેદના ધરાવતા SP પણ ઘટનાની જાણ થતા પારડી પહોંચ્યા
એક ઇજાગ્રસ્ત બાળકી મળી આવ્યાના સમાચારથી વલસાડના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર હકીકત જાણી હતી. બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની નથીને તે બાબતે SPએ અલગ-અલગ ડૉક્ટરોને બોલાવી બાળકીની તપાસ કરાવી હતી. જોકે, તપાસ દરમિયાન આવી કોઈ ઘટના ન બની હોવાનું સામે આવતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકીના માતાપિતાની શોધ શરૂ કરી
હાલમાં બાળકીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજમાં પોલીસ લાગી ગઈ છે અને બાળકીના પરિવારજનોને શોધવા માટે SPના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી દીધી છે.
બાળકીની સારવાર માટે ખાનગી હોસ્પિટલના ડૉકટર્સ પાસે તપાસ કરાવી
ઈજાગ્રસ્ત બાળકીની તપાસ માટે ખાનગી હોસ્પિટલના પીડિયાટ્રિશ્યન ડૉક્ટર, સાયકોલોજિસ્ટ ડૉક્ટર અને આંખના સહિતના ડૉક્ટર્સને બોલાવી તપાસ કરાવી છે. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને એની ઈજા જૂની હોવાનું લાગી રહ્યું છે. આ બાળકી વિશે કોઈ જાણકારી હોય તો તેમને જિલ્લા કન્ટ્રોલ નંબર 100 પર કે પછી પારડી પોલીસનો પોલીસનો સંપર્ક કરવો એવું SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
ખાનગી હોસ્પિટલની તમામ સારવારનો ખર્ચ પોલીસ ઊઠાવશે
સામાન્ય રીતે પોલીસ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમો સારવાર કરાવતી હોય છે, પરંતુ ઈજાગ્રસ્ત માસુમ મળી આવેલી બાળકીના બનાવમાં પોલીસ દયાવાન બની છે અને આ બાળકીને હોસ્પિટલમાં સારવારની જરૂર પડતા તેને સ્પેશિયલ પીડિયાટ્રિશ્યનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને હોસ્પિટલનો તમામ ખર્ચ પોલીસે ઉપાડવાનું નક્કી કરી દીધું છે. આમ, વલસાડ પોલીસ જે કાયદાના પાઠ ભણાવવા કડક સ્વરૂપ અપનાવે છે, પરંતુ સંવેદનાથી ભર્યું હૃદય એમના પણ ધબકે છે. બાળકોને જોઈ પોલીસ પણ નરમ રૂખ અપનાવે છે, ત્યારે મળી આવેલી ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અને માતા પિતાની શોધખોળ હાથ ધરી છે.