વલસાડઃ કોરોના મહામારીથી સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે રોજ કમાઈને રોજ ખાનારા લોકોને લોકડાઉનના સમયમાં ભોજન માટે મુશ્કેલી ના પડે તે માટે સરકારે એપીએલ કાર્ડ ધારકોને મફતમાં અનાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે એવા પણ કેટલાક કાર્ડધારકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે, જેઓ લોકડાઉનની સ્થિતિમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તે માટે સક્ષમ છે તેવા લોકોએ પોતાને મળતો એપીએલ-1 કાર્ડનો લાભ સ્વેચ્છાએ જતો કરે. જેને અનુલક્ષીને જીલ્લામાં 13 થી 18 એપ્રિલ વચ્ચે એપીએલ કાર્ડધારકોને ૬૫ ટકા જેટલા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ત્યારે 14 હજાર 68 એપીએલ-1 કાર્ડધારકોએ સ્વેચ્છાએ પોતાનો લાભ જતો કર્યો છે. જેથી જરૂરિયાતમંદ લોકોને આ અનાજનો લાભ મળી શકે.
જીલ્લામાં કુલ 1 લાખ 4 હજાર 761 એપીએલ કાર્ડધારકો છે. જેમાં વલસાડ તાલુકામાંથી 6 હજાર 986, પારડી તાલુકામાંથી 1 હજાર 318, વાપી તાલુકામાંથી 4 હજાર 43, ઉમરગામ તાલુકામાંથી 965, ધરમપુર તાલુકામાંથી 622, અને કપરાડા તાલુકામાંથી 134 જેટલા કાર્ડધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાને મળતો લાભ જતો કર્યો છે.
વલસાડ જીલ્લામાં અત્યાર સુધીના સરકારી આંકડા મુજબ 68 હજાર 473 જેટલા કાર્ડધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. 14 હજાર 68 સક્ષમ લોકોએ પોતાને મળતો અનાજનો જથ્થાનો લાભ સ્વેચ્છાએ જતો કર્યો છે.