વલસાડઃ લોકડાઉનના કારણે જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિયોને મોકલવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનથી 2 વાગ્યે ગોરખપુર જવા માટે રવાના કરવામાં આવી હતી.
વલસાડ છોડીને પોતાના વતન જનારા આ પરપ્રાંતિયોને મળવા માટે વલસાડ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. પરંતુ રેલવે પોલીસે આ તમામ કોંગ્રેસી કાર્યકરોને રેલવે પ્લેટફોર્મ પર જતા અટકાવ્યા હતા. જેથી પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.
આ તમામ કાર્યકરોને અટકાવવાથી રોષે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરોએ સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે, જે સરકાર શ્રમિક પાસે લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ પોતાના વતન જવા માટે ટિકિટના રૂપિયા માંગતી હોય, તે સામાન્ય જનાની ચિંતા શું કરવાની?
વલસાડ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યાએ આ અંગે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રનું યોગ્ય વલણ ન હોવાને કારણે રેલવે તંત્રએ બિહાર તરફ જનારી ટ્રેન કેન્સલ કરી છે. આ ટ્રેનમાં જનારા 1,195 લોકોના રૂપિયા ભરાયા નથી. જેથી રેલવેએ આ ટ્રેન કેન્સલ કરવી પડી છે.