વલસાડઃ સૌરાષ્ટ્રની મૂળ ભૂમિ સાથે સંકળાયેલો અન્નયજ્ઞ જેમના માટે ઈશ્વર કરતા પણ વધુ હોય એવા માલધારી સમાજના ભરતભાઈ મેરની ટીમ દ્વારા છેલ્લા 35 દિવસથી વલસાડ તાલુકાના ગામોમાં અને શહેરના એક-એક ખૂણે પોતાના વાહનોમાં અવિરત ભોજન પહોંચતુ કરવાની કામગીરી અવિરત ચાલી રહી છે.

માલધારી યુવાનો દ્વારા મહિલાઓ અને પરિવાર દ્વારા વહેલી સવારથી જ ચોખા સાફ કરવા, શાકભાજી સમારવી કે ભોજન બનાવવું તમામ કામગીરી સ્વંય કરી રહ્યા છે. આ સાથે જ કોઈ સ્થળે ભૂખ્યા હોવાનો મેસેજ મળે કે તુરંત જ તેઓ ત્યાં પહોંચી જઈ તમામની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરી રહ્યા છે.

સમગ્ર કામગીરી અંગે ભરત ભાઈ મેરે જણાવ્યું હતું કે, દેશ પર આવી પડેલા કોરોના બીમારીની વિપત્તિના સમયમાં લોકોને મદદરૂપ થવું અને ભૂખ્યાને ભોજન આપી તેમની આંતરડી ઠારવી એજ હેતુથી લોકોના અને માલધારી યુવાનોના સહયોગથી આ અન્ન યજ્ઞ શરૂ કર્યો છે. આગામી દિવસમાં પણ આ કાર્ય અવિરત ચાલુ રાખીશું.

વલસાડ ધરમપુર રોડ પર આવેલા માલધારી સમાજના રહેણાંક વિસ્તારમાં જ તેનું રસોડું ધમધમી રહ્યું છે અને અહીં રોજ 15થી વધુ વાહનો દ્વારા અનેક સ્થળે ભોજન પહોંચાડવામાં આવે છે.
નોંધનીય છે કે, માલધારી સમાજના આકાર્યમાં વલસાડના અન્ય અગ્રણીઓ સુરેશભાઈ રબારી, સુરેશભાઈ પ્રજાપતિ સહિતની યુવા ટીમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્સાહ ભેર જોડાઈ લોકોને ઘર સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.