વાપીમાં વરસાદને લઈને સર્વત્ર પાણી.. પાણી..
સરેરાશ 1થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
ખેડૂતોમાં અને નગરજનોમાં આનંદ છવાયો
વલસાડ: જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદનું રવિવારે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. એક તરફ ગુરુ પૂર્ણિમાનું પર્વ છે, ત્યારે આ જ દિવસથી મેઘરાજાએ પણ પોતાનું હેત વરસાવતા ખેડૂતોમાં અને નગરજનોમાં આનંદ છવાઇ ગયો હતો.
રવિવારે વહેલી સવારથી વાપીમાં શરૂ થયેલા વરસાદને લઈને સર્વત્ર પાણી પાણી જ નજર આવી રહ્યું હતું, તો બીજી તરફ સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં પણ મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું. વાપીમાં વહેલી સવારે વરસાદ સાથે પવનની ગતિ તેજ થઈ હતી. એકાદ કલાક વરસેલા વરસાદમાં સરેરાશ 1થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે લોકો વરસાદની રાહ જોતા હતાં અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. જેનો અંત શનિવારે સાંજે આવ્યો હતો. શનિવારે સાંજે આકાશમાં વરસાદી વાદળો બંધાયા હતાં. તેમજ રાત્રે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાત્રી સમયગાળા દરમ્યાન સર્વત્ર પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતા ઠંડકનું મોજું પ્રસર્યું હતું. જે બાદ આ મેઘાવી માહોલ રવિવારે સવારે પણ યથાવત રહ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં અને નગરજનોમાં આનંદ છવાયો હતો.