- દહેરી ગામે આરોગ્ય પ્રધાને વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો
- જિલ્લામાં 6 સ્થળોએ વેક્સિન અપાઇ
- લોકોના જીવ બચાવવા સમયસર નિર્ણયો લીધા
ઉમરગામઃ તાલુકાના દહેરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય અને તબીબી વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કિશોર કાનાણીએ રસીકરણ કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. કોવિડ-19ની મહામારીને અંકુશમાં લાવવા સમગ્ર દેશમાં આજથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અભિયાનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ-માધ્યમ થકી કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં વિવિધ 6 કેન્દ્રો ખાતેથી કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઉમરગામ તાલુકાના દહેરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય અને તબીબી વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કિશોર કાનાણીએ શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું
આ અવસરે આરોગ્ય રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, દેશના લોકોને કોરોના મહામારીમાંથી બચાવવા માટેના સમયસર નિર્ણયો થકી અનેક લોકોના જીવ બચાવાયા છે. લોકડાઉન સહિત આકરા નિર્ણયો, આત્મનિર્ભર અભિયાન, શ્રમજીવીઓને વતન જવાની વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારે સુચારુ સંકલન સાધીને કાર્ય કર્યું છે.
સરકારે કોવિડમાં નિઃશુલ્ક સારવાર આપી
મહાનગરો જિલ્લા સેન્ટરોમાં કોવિડની હોસ્પિટલો ઊભી કરી લોકોને નજીકના સ્થળે સવલતો પૂરી પાડી છે. સૌથી વધુ કોરોના માટેના ઇન્જેકશનોની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. રાજ્ય સરકારે લાખો લોકોને નિઃશુલ્ક ડૉક્ટરી સેવાઓ પૂરી પાડી છે.
ખોટી અફવાઓથી દૂર રહો
આત્મનિર્ભર અભિયાન થકી આર્થિક સહાય કરી છે. સ્વદેશી રસીની શોધ ભારત દેશમાં થઇ એ આપણી મોટી ઉપલબ્ધતા છે, તેમ જણાવી રસીકરણ અંગે ખોટી અફવાઓથી દૂર રહેવા, દેશને બચાવવા માટે કોરોના સામેના જંગમાં કટિબદ્ધ બનવા જણાવ્યું હતું.
વેક્સિનેશન રૂમનું લોકાર્પણ કર્યું
આ અવસરે આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીએ વેક્સિનેશન રૂમનું લોકાર્પણ કરી વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ સહિત આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.