વલસાડના હાલર રોડ સ્થિત HDFC બેંકમાં 2012થી કસ્ટમર સર્વિસ, સેલ્સ અને ઓપરેશનની કામગીરી પર વિનય અશોક મેરાઇ ડેપ્યુટી મેનેજરના હોદ્દા પર ફરજ બજાવતો હતો. તે દરમિયાન તેણે ઓકટોબર-2016થી 13 સપ્ટેમ્બર 2019 સુધીના 3 વર્ષના ગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ માટે બેંકના કન્ફર્મેશન ઓફ ડિપોઝિટના બોગસ અને ખોટા દસ્તાવેજ બનાવી ગ્રાહકો પાસેથી ફિક્સ ડિપોઝિટ માટે સેલ્ફ ચેક અને રોકડ રકમ પડાવીને બેંકમાં જમા કર્યા વિના બારોબાર ચાઉ કરી ગયો હતો. બેંકના અધિકારી તરીકે HDFCના ઉપલા અધિકારીઓની જાણ બહાર પોતાની સત્તાનો દુરૂપયોગ કરી જૂદી જૂદી રકમના 41 જેટલા ખોટા બનાવટી કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટ બેંકના જ છે તેવું જણાવી ગ્રાહકોને પધરાવી તેમની પાસેથી સેલ્ફના ચેક તથા રોકડ મળી કુલ રૂપિયા 57.47 લાખ પડાવી લીધા હતાં.
આ સમગ્ર મામલે એક ગ્રાહકને પૈસાની જરુર પડતા તેમને આરોપી પાસે પૈસાની માંગણી કરી હતી. આરોપી એ પૈસા ન આપતા ગ્રાહક દ્વારા બેંક મેનેજરને મળતા જ્યાં તેમની ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લેવા વાત કરી HDFC બેંકના કુલ 41 જેટલા કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. જેને જોતા તમામ ફિક્સ ડિપોઝિટની રકમની રસીદોની એન્ટ્રીઓ બેંકની સીસ્ટમમાં ચેક કરાઇ હતી. પરંતુ, એક પણ રસીદ બેંકના રેકોર્ડ સાથે મેચ થઇ ન હતી. સીઓડી સર્ટિફિકેટમાં લખેલા એફડી નંબર બોગસ અને ખોટા હોવાનું બહાર આવતા આખો ભાંડો ફૂટ્યો હતો.
ગ્રાહકની પૂછપરછ કરતા જણાવ્યું કે, આ રસીદો આપીને બેંકમાં તમારી રકમ જમા કરાવી દઇશ તેવું વિનય મેરાઇએ કહ્યું હતું. જેને લઈને સમગ્ર મામલે બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી ડેપ્યુટી મેનેજર વિનય મેરાઇ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા વલસાડ સિટી પોલિસે ગુનો દાખલ કર્યો હતો. જે બાદ તપાસ કરતા આરોપી વિનય મેરાઈની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.