વલસાડઃ સ્ત્રી પુરુષના સંબંધો અંગે જેમણે સમાજ સમક્ષ "સાત પગલાં આકાશમાં" જેવી નવલકથા થકી નામના મેળવી એવા વલસાડના ધરમપુર તાલુકાના નંદીગ્રામ ખાતે રહેતા પીઢ સાહિત્ય કાર કુંદનિકાબેન કાપડિયાનું 93 વર્ષની વયે અવસાન થતાં સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રવર્તી છે.
કુંદનિકા કાપડિયા (જન્મનામ: કાપડિયા કુંદનિકા નરોત્તમદાસ, લગ્ન પછી: કુંદનિકા મકરંદ દવે) ‘સ્નેહધન’ એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર છે. તેમનો જન્મ જાન્યુઆરી 11, 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ નવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર રહ્યા હતા. તેમણે સાહિત્ય અકાદમી પુરસ્કારો પણ મેળવ્યા છે. પોતાના જીવનસાથી તરીકે સાહિત્ય ક્ષેત્રે ઊંચું નામ ધરાવતા મકરંદ દવે સાથે (1968) લગ્ન કર્યા હતા.
કુંદનિકા કાપડિયાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતેે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પૂર્ણ કર્યુ હતું. ત્યાં તેમણે 1948માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેમણે મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ1955થી 1957સુધી ‘યાત્રિક’ અને 1962 થી 1980 સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચૂક્યા છે.
કુંદનિકા કાપડિયાની રચનાઓ...
- પ્રેમનાં આંસુ
- વધુ ને વધુ સુંદર
- જવા દઇશું તમને
- કાગળની હોડી
- મનુષ્ય થવું
- નવલકથા...
પરોઢ થતાં પહેલા - અગનપિપાસા
- સાત પગલાં આકાશમાં
નિબંધ...
- દ્વાર અને દીવાલ
- ચંદ્ર તારા વૃક્ષ વાદળ
- પ્રાર્થનામાં પરમ સમીપે
અત્યાર સુધીમાં અનુવાદ...
- પુરુષાર્થને પગલે
- કિશોર ડિટેક્ટીવ
- વસંત આવશે
- પૂર્ણ કુંભજીવન
- એક ખેલ
- હિમાલયના સિદ્ધયોગી
'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. તેઓની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત ભારતના ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું તેઓ સ્વંય ક્યારેક કહેતા હતા.
આ લેખકોના વાંચનથી એમની સાહિત્ય દ્વારા કશુંક યોગદાન આપવાની ભાવના ઘડાઈ હતી. તેમને પુરસ્કાર 1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ માટે મળ્યો.
સાત પગલાં આકાશમાં (1984) : સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી કુંદનિકા કાપડિયાની નવલકથા, કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે.