ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ ઉજવણી અવસરે આશ્રમશાળા અંભેટી ખાતે ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દીવનનું ઉદ્ધાટન રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
ત્યારે આ પ્રસંગે આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારમાં આશ્રમશાળાનું સંચાલન કરી ગ્રામ સેવા કેન્દ્ર-અંભેટીએ સાચી દ્રષ્ટિએ આદિવાસીઓની સેવા કરી છે, જે અભિનંદનીય છે. સૌને ગર્વ થાય એ પ્રકારનો આજનો દિવસ છે, મહાત્મા ગાંધીજીના વિચારો વિશ્વકલ્યાણ માટે સર્વોત્તમ છે અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રસ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષની ઉજવણી અવિસ્મરણીય બની રહેશે.
અંભેટીમાં આવેલી આ આશ્રમશાળામાં જરૂરી સગવડ અને સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે અહીં સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને આજે 100માં વર્ષમાં પ્રવેશ સુધીની સફર દર્શાવતી ડોકયુમેન્ટરીનું પણ નિદર્શન કરાયું હતું. અહીં પરંપરાગત બળદગાડીમાં વડના વૃક્ષની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રી, આશ્રમશાળા પરિવાર સહિત બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ રમણલાલ પાટકરના હસ્તે શતાબ્દિવનમાં વડના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મોટાપોંઢા કોલેજના પૂર્વ આચાર્ય બી.એન.જોષી, સંસ્થાના સંચાલક જયંતિભાઇ પટેલ, મોટાપોંઢાના વિજ્ઞાન સ્વામીજી, અગ્રણી બાબુભાઇ વરઠા, મહેશભાઇ ભટ્ટ, ભાણાભાઇ, આશ્રમશાળા પરિવાર સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.